• હવાલા મારફતે પૈસા ચીન ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં આરઓસીએ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી
  • ચીનની કંપનીના ડિરેક્ટર સોંગ લિયુએ સુનીલકુમારને ડિરેક્ટર બનાવીને વીપીઓ નેટવર્ક ટેકનોલોજી નામની કંપની બેંગલુરુમાં શરૂ કરી હતી
  • 23 જેટલી કંપનીઓ છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતમાં કાર્યરત હતી

WatchGujarat.ભારતના નાગરિકોને ડાયરેક્ટર બનાવીને ભારતમાં કંપનીઓ શરૂ કરાવીને હવાલા મારફતે પૈસા ચીન ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં આરઓસીએ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં બિટકોઇન તેમજ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાની લાલચ આપીને દિલ્હી, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ સહિતનાં રાજ્યોમાં કંપનીએ શરૂ કરી હતી. જેમાં ભારતના 2 નાગરિકોને જુદી જુદી 23 કંપનીના ડિરેક્ટર બનાવીને તેમને ટૂંકા ગાળામાં ડાયરેક્ટ પદ પરથી હટાવીને ચીનની કંપનીનો માલિક તમામ કંપનીઓમાં ડિરેક્ટર બની ગયો હતો.

નારણપુરા ખાતેની આરઓસીના આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ગજાનંદ કાટે (44)એ સુનીલકુમાર,સોંગુ લિયુ, સંજીવરાય કેવાય રાય, રજની કોહલી, ગૌરવ મિત્તલ અને મેરુવા ભાનુ પ્રકાશ વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યા અનુસાર, ચીનની કંપનીના ડિરેક્ટર સોંગ લિયુએ સુનીલકુમારને ડિરેક્ટર બનાવીને વીપીઓ નેટવર્ક ટેકનોલોજી નામની કંપની બેંગલુરુમાં શરૂ કરી હતી.

સુનીલકુમારને અન્ય 13 કંપનીના ડિરેક્ટર બનાવ્યા હતા.

જ્યારે સંજીવ રાઇને એસબીડબલ્યુ સાઉથ એશિયન નામની કંપની આંધ્રપ્રદેશમાં શરૂ કરી હતી. આ સાથે સંજીવ રાઇને અન્ય 10 કંપનીઓના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા. આ કંપનીઓ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે તેમની કંપનીમાં રોકાણ કરેલા પૈસા તેઓ માઇનિંગ મશીનોમાં રોકાણ કરે છે અને તેમની કંપની અમેરિકન બીટકોઇન કંપની સાથે જોડાયેલી છે. જેથી તેઓ રોકાણકારોને એવી લાલચ આપતા હતા કે તમે અમારી કંપનીમાં રોકણ કરેલા પૈસા માઇનિંગ મશીનની ખરીદી કરવામાં વાપરવામાં આવે છે. તેવુ કહીને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવામાં આવતું હતુ.

જ્યારે આ બંને કંપનીઓની સ્થાપના કંપની સેક્રેટરી(સીએસ) રજન કોહલી (દિલ્હી) દ્વારા કરવામાં આવી હતી. આ તમામ કંપનીઓમાં જે પણ ભારતના નાગરિક પૈસાનું રોકાણ કરતા હતા તે પૈસા હવાલા મારફતે ચીન મોકલવામાં આવતા હતા. જો કે ચીનની કંપનીના ડિરેક્ટર સોંગુ લિયુએ ટૂંક જ સમય માટે ભારતના નાગરિકોને તેમની કંપનીના ડિરેક્ટર તરીકે રાખ્યા હતા. ત્યાર બાદ તેમના રાજનામા લખાવી લીધા હતા અને પોતે કંપનીના ડિરેક્ટર બની ગયા હતા. આ રીતે આ 23 જેટલી કંપનીઓ છેલ્લા 3 વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતમાં કાર્યરત હતી.

તાજેતરમાં જ આરઓસીએ દિલ્હી, મુંબઇ, ગુજરાત સહિતના રાજ્યોમાં આ રીતે ચાલતી ચીનની કંપનીનું કૌભાંડ પકડી પાડ્યું હતુ. જે અંગે આરઓસીના અધિકારી દ્વારા થોડા દિવસ પહેલા જ નારણપુરા પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે સોમવારે આ ત્રીજી વરસાદ નોંધવામાં આવી છે. હજુ આગામી 24 કલાકમાં આરોપી દ્વારા વધુ 2 પોલીસ ફરિયાદ નોંધાવાશે.

હવાલા મારફતે ચીનમાં પૈસા મોકલવાનું કૌભાંડ ૩ વર્ષથી ચાલતું હતુ

આરઓસીના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતમાં કંપનીઓ શરૂ કરીને હવાલા મારફતે પૈસા ચીન મોકલવાનું કૌભાંડ 3 વર્ષથી ચાલે છે. તાજેતરમાં કૌભાંડ પકડાતા આ અંગે આરઓસીએ મુંબઇ અને દિલ્હીમાં કેટલીક કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ હવે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

ભારતીયોને હટાવી વિદેશીને ડિરેક્ટર બનાવનારી કંપનીઓ સામે ફરિયાદ થશે

ટૂંક જ સમયમાં જે કંપનીઓના ડિરેક્ટર ભારતીય નાગરિકોમાંથી વિદેશી નાગરિકો બની ગયા છે. તેવી સંખ્યાબંધ કંપનીઓની યાદી આરઓસીએ તૈયાર કરી છે. તેમાં પણ એવી કંપનીઓની યાદી આરઓસીએ તૈયાર કરી છે. તેમાં પણ એવી કંપનીઓ કે જેમાં ડિરેક્ટર ચીનના લોકો બન્યા છે. તેવી કંપનીઓની માહિતી એકત્રિત કરીને તે કંપનીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં આવી સંખ્યાબંધ કંપનીઓ સામે વધુ પોલીસ ફરિયાદો કરવામાં આવશે.

Facebook Comments Box

Videos

Our Partners