• કુટુંબી ભત્રીજાએ જમીન મુદ્દે પોતાના વૃદ્ધ કાકીને ધોકાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા
  • વૃદ્ધાના માથામાં હેમરેજ થઇ જતાં ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું
  • પોલીસે પંચનામુ કરીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી, મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી કરી

WatchGujarat. ગત તારીખ 16નાં રોજ શહેરમાં હત્યાની ઘટના સામે આવી હતી. જેની તપાસ હજુ પૂર્ણ થઈ નથી ત્યાં આજે 4 દિવસ બાદ વધુ એક હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં કુટુંબી ભત્રીજાએ જમીન મુદ્દે પોતાના વૃદ્ધ કાકીને ધોકાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, ત્રંબાથી 4 કિ.મી. દૂર આવેલા ઢાંઢણી ગામમાં રહેતાં 65 વર્ષીય સવિતાબેન લીંબાભાઇ મેર અને તેનાં 70 વર્ષીય પતિ લીંબાભાઇ જીવરાજભાઇ મેર ગામના સીમ વિસ્તારમાં આવેલી પોતાની વાડીએ નિત્યક્રમ મુજબ ગયા હતાં. જ્યાં સવિતાબેન પોતાની વાડીના શેઢા પર ખડ વાઢી રહ્યા હતાં. અને તેમના પતિ લીંબાભાઇ થોડે દૂર કામ કરી રહ્યા હતાં ત્યારે એક જ શેઢે વાઢી ધરાવતો તેનો કૌટુંબીક ભત્રીજો રમેશ છગનભાઇ મેર ધસી આવ્યો હતો. અને ઓચીંતા જ ધોકા જેવી ખપારીના હાથાના ત્રણ-ચાર ઘા કાકી સવિતાબેનના માથા પાછળ ફટકારી દેતાં પત્નિને બચાવવા લીંબાભાઇ મેર ધસી આવ્યા હતાં. જેને લઈને રમેશ તેમનાં હાથમાં પણ એક ધોકો મારી નાસી છૂટ્યો હતો. બીજીતરફ ઓચીંતા માથામાં ધોકાના પ્રહાર થતાં સવિતાબેનને લોહી નીકળી જતા ત્યાં જ ઢળી પડ્યા હતાં. બનાવને પગલે દેકારો મચી જતાં આસપાસનાં લોકો દોડી આવ્યા હતાં. અને 108 તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં પોલીસ અને 108નો કાફલો પણ દોડી ગયો હતો. જો કે ધોકાના પ્રહારથી સવિતાબેનને માથામાં હેમરેજ થઇ જતાં ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. જેને પગલે પોલીસે પંચનામુ કરીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ શેઢાની જમીનનાં કારણે લાંબા સમયથી બંને પક્ષે તકરાર ચાલતી હતી. તેમજ આજથી બે મહિના અગાઉ પણ રમેશ લીંબાભાઇની પાછળ પાવડો લઇને મારવા દોડ્યો હતો. ત્યારે તેમના પુત્રએ બચાવી રમેશને આ રીતે કારણ વગર ઝઘડા નહિ કરવા સમજાવ્યો હતો. હત્યાનો ભોગ બનેલા સવિતાબેન મેરને સંતાનમાં એક પુત્ર અશોકભાઇ મેર તથા ત્રણ પુત્રી છે. પુત્ર અશોકભાઇ, પતિ લીંબાભાઇ સહિતના સ્વજનો આ ઘટનાથી શોકમાં ગરક થઇ ગયા છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud