• પિતાએ ઉભી કરેલ કંપની પચાવી પાડવા પુત્રએ માતા સહિત પોતાના ભાઈ અને બહેન સાથે કરી છેતરપીંડી
  • ખોટી સહીઓ કરી તમામ મિલકતો નાના પુત્રએ તેના નામે કરી દિધી હતી
  • પુત્રનો વ્યવહાર જોઈ મિલકત અંગે માતાને શંકા જતા RTI કરી હતી, જેમાં છેતરપીંડી થઈ હોવાનું જાણવા મળ્યું હતું
  • માંજલપુર પોલીસે ફરિયાદના આધારે છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

WatchGujarat. પિતાની અથવા પુરવજોની મીલકતો મેળવવા બાળકો અનેકવાર અંદરો-અંદર લડી મરતા હોય છે. આ ઉપરાંત પોતાનાજ પરિવારના સભ્યો સાથે મીલકતને લઈ ઠગાઈના મામલા પણ ઘણા સામે આવી ચુક્યા છે. આવો જ એક મામલો વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં પિતાના અવસાન બાદ પુત્રએ કંપનીની પાર્ટનરશીપમાં માતા તથા બહેનનો ભાગ સ્વાહા કરી તેઓની જાણ બહાર ખોટી સહીઓ વડે મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ તમામ મિલકતો પોતાના નામે કરી છેતરપીંડી આચરી હતી. જોકે આ મામલે માતાએ કરેલ RTIનો જવાબ આવતા સમગ્ર કૌભાંદનો પર્દાફાશ થયો હતો.

મળતી માહિતી મુજબ, શહેરના મકરપુરા વિસ્તારના શ્રીનાથજી પાર્કમાં રહેતા 74 વર્ષીય સંધ્યાબેન પટેલના પતિ નારાયણભાઈએ વર્ષ 1972માં મકરપુરા જીઆઈડીસી પ્લોટ નં.131, 132, 133 માં નુતન એન્જીનીયરીંગ નામની કંપની શરૂ કરી હતી. તેમજ પ્લોટ નં.134માં નારાયણભાઈએ તેઓના મોટા દિકરા પરીમલભાઈને અલગથી ધંધો શેટ કરી આપ્યો હતો. ત્યારબાદ નારાયણભાઈએ 1993માં નાના પુત્ર બકુલભાઈને તેમની કંપનીમાં 50 ટકાનો ભાગીદાર બનાવ્યા હતા.

તેમની દિકરી નુતનબેન કેનેડામાં સ્થાયી થઈ છે. વર્ષ 2008માં નારાયણભાઈનું કેનેડા ખાતે અવસાન થઈ જતા કંપનીનો સંપર્ણ વહિવટ બકુલભાઈ સંભાળતા હતા. પિતાના અવસાન બાદ કંપનીમાં પોતાની માતા સંધ્યાબેનનો 50 ટકા ભાગ હોવા છતાં બકુલભાઈ તેઓની દવા-સારવાર માટે પણ એકય રૂપીયો આપતા ન હતા. આ ઉપરાંત કંપનીના હિસાબ અંગે પણ પુછતા તે પણ બતાવતો ન હતા.

જે બાદ બકુલભાઈ તેમની પત્ની અને બાળકો સાથે અલગ રહેવા જતા રહ્યા હતા. અને માતાની કોઈ પણ પ્રકારની સંભાળ લેતા ન હતા. પોતાના પુત્રની હરકતો ઉપર શંકા જતા માતા સંધ્યાબંને RTI કરી હતી અને તેમા તેઓને જાણવા મળ્યુ હતું કે, તેમના પતિએ ઉભી કરેલ મિલકતમાં પતિનું અવસાન થયા બાદ કંપનીના પાર્ટનર તરીકે તેમનું પોતાનું અને પુત્રીનું નામ દાખલ કરવા બે સાક્ષીઓની હાજરીમાં સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી આપ્યું હતું. આ લખાણને પણ બાજુ રાખી બકુલભાઈએ કંપનીની તમામ મિલકત પોતાના નામે કરી જીઆડીસીની ઓફિસમાં તેમના નામની ખોટી એન્ટ્રીઓ દર્શાવી સ્ટેમ્પ પેપર ઉપર પોતાના નામે મિલકત ચડાવી સંમતિ પત્રકમાં માતા સંધ્યાબેન તથા બહેન નુતનબેનની ખોટી સહી કરી હતી.

આ ઉપરાંત સંધ્યાબેનના નામે રહેલી એક કાર પણ બકુલભાઈએ ખોટી સહીઓ કરી પોતાની પત્ની સેફાલીબેનના નામે કરી દિધી હતી. તેમજ મોટા પુત્ર પરીમલભાઈના નામનો પ્લોટ નં.134 જેમાં એરફીટ ઈન્ડસ્ટ્રી નામની કંપની ચાલે છે તેમાં પણ બકુલભાઈએ માતા અને મોટા ભાઈની ખોટી સહી કરી મિલકત પોતાના નામે ચડાવવા મકરપુરા જીઆઈડીસીના રીઝીઓનલ મેનેજરને અરજી કરી હતી. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા માંજલપુર પોલીસે બકુલભાઈ પટેલ (રહે, એન્ટીકાગ્રીનવુડ, ખાનપુર અંકોડીયા રોડ, વડાદરા)  વિરૂદ્ધ છેતરપીંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud