• રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અછોડા તુટવાની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે
  • ક્રાઇમ બ્રાંચે જીવના જોખમે ચિલઝડપ કરનારનો ફિલ્મી ઢબે પીછો કરી તે છરી ઉપાડે તે પહેલાં પાટુ મારી કોન્સ્ટેબલે પછાડ્યા બાદ પોલીસે તેને ઝડપી લીધો
  • પોલીસ કમિશ્નર દ્વારા સન્માનપત્ર સાથે રોકડ પુરસ્કાર આપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમને બિરદાવી

WatchGujarat. છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં મોટે ભાગે સવારના સમયે જ ખાસ કરીને વૃધ્ધોને નિશાન બનાવી સોનાના ચેઇનની ચિલઝડપ કરવાની ઘટનાઓ વધી છે. માત્ર પાંચ દિવસમાં જ આવી છ ઘટનાઓ બની હતી. જેને લઈને આ અંગેની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ હતી. આજે ક્રાઇમ બ્રાંચે જીવના જોખમે ચિલઝડપ કરનારનો ફિલ્મી ઢબે પીછો કરી તે છરી ઉપાડે તે પહેલાં પાટુ મારી કોન્સ્ટેબલે પછાડ્યા બાદ પોલીસે તેને ઝડપી લીધો છે. પોલીસની કાબીલેદાદ કામગીરી સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો સામે આવ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા સન્માનપત્ર સાથે રોકડ પુરસ્કાર આપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમને બિરદાવી હતી. પ્રાથમિક પૂછતાછમાં
આરોપી દિલ્હીની લૂંટનો વાયરલ વિડીયો જોઈને આ રવાડે ચડ્યો હોવાનું સામે આવ્યું છે. અને આરોપીએ 11 ચિલઝડપ અને એક વાહનની ચોરી કબૂલ કરતા પોલીસે 3 સોનાનાં ચેઈન, એક્ટિવા, યોબાઈક તેમજ છરી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

સમગ્ર બનાવની વિગતો આપવા ડીસીપીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં ઝોન-ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારે 5 વાગ્યાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમેં માલવીયાનગર – તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની જુદી-જુદી સોસાયટીઓમાં મોર્નિંગ વોકના કપડા પહેરીને વોચ ગોઠવી હતી. આ દરમિયાન કોન્સ્ટેબલ અશોકભાઇ ડાંગર પણ સવારે 6 આસપાસ જાનકી પાર્ક મેઇન રોડ પર ઉભા હતાં. દરમિયાન એક એકટીવાચાલક વૃધ્ધો પર નજર નાંખતો જોવા મળ્યો હતો.

તેના પર પુરેપુરી શંકા જતાં અશોકભાઇ તેની નજીક ગયા હતા. પરંતુ આરોપી પોલીસ હોવાનું ઓળખતા પોતાનું એકટીવા ભગાવવા જતાં સ્લીપ થઈ પડી ગયો હતો. જો કે છતાં તે ઉભો થઇને નેફામાંથી છરી કાઢી ભાગવા માંડ્યો હતો. અશોકભાઇએ તેનો દોડીને પીછો કરતાં તે નજીકમાં ટ્વેન્ટી ટુ યાર્ડ ક્રિકેટ એકેડેમી પાસે દોડી ગયો હતો. ત્યાં ક્રિકેટ રમતાં વિદ્યાર્થીઓ પૈકીના શિલીન રસિકભાઇ નોંધણવદરાને છરી બતાવી તેની પાસેથી તેના યો-બાઇકની ચાવી ઝૂંટવી બાઇક લઇને ભાગ્યો હતો.

આ દરમિયાન પીએસઆઇ એમ. વી. રબારી તેમજ ટીમના એએસઆઇ જયુભા એમ. પરમાર, પ્રતાપસિંહ ઝાલા, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા, એભલભાઈ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા સહિતે તેને રસ્તામાં કોર્ડન કરતાં આ શખ્સ કે.કે.વી. ચોકથી ઇન્દિરા સર્કલ તરફ ભાગ્યો હતો. આથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા હુન્ડાઇ શો રૂમના ખુણા પાસે તે ભાગતી વખતે યો-બાઇક સાથે તે પડી ગયો હતો. ત્યાં પાછળ ક્રાઇમ બ્રાંચની ટીમ જુદા-જુદા ટુવ્હીલર લઈ પહોંચી ગઇ હતી.

આ વખતે ચિલઝડપકાર પાસેની છરી રોડ પર પડી ગઇ હોવાથી તે ફરી ઉભો થઇને રોડ પરથી છરી ઉઠાવવા ભાગ્યો હતો. તે છરી ઉઠાવી હુમલો કરે તો કોઇપણ પોલીસ કર્મચારીને ઇજા થઇ શકે તેમ હતું. આ વખતે નેશનલ હોકી પ્લેયર અને કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જાડેજાએ હિમ્મત અને સમય સુચકતા વાપરી પાટુ મારી તેને પછાડી દીધો હતો. તે સાથે જ બીજી ટીમે તેને ઘેરીને પકડી લીધો હતો. ક્રાઇમ બ્રાંચે ચિલઝડપકાર અઝીઝ જુસબભાઇ ઉઠારને દબોચી લઇ તેની પાસેથી રૂ. 75 હજાર, રૂ. 80 હજાર અને રૂ. 70 હજારનાં કુલ ત્રણ સોનાનાં ચેઈન તથા મેટલ બ્રાઉન કલરનું રૂ. 30 હજારનું એકટીવા, રૂ. 40 હજારનું યો-બાઇક તેમજ એક છરી કબ્જે કર્યા છે. પોલીસ કમિશ્નરે આ સમગ્ર ટીમને પ્રશંસાપત્ર આપી તેમજ રૂ. 15 હજારનો રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યુ છે.

પોલીસની પૂછપરછમાં એઝાઝે છેલ્લા પાંચ દિવસમાં કરેલી છ ચિલઝડપ સહિત એક વર્ષમાં 11 ચિલઝડપ અને એક વાહન ચોરી કર્યાની કબૂલાત આપી છે. અને આજે પકડાયો તે પહેલા બાઇક લૂંટનો ગુનો પણ તેના નામે ચડ્યો છે. એઝાઝ પહેલા રિક્ષા હંકારીને ગુજરાન ચલાવતો હતો. પણ લોકડાઉનમાં ધંધો બંધ થતાં પોતે બેકાર હતો. દરમિયાન તેણે દિલ્હીની એક ચિલઝડપની ઘટનાનાં વાયરલ CCTV સોશિયલ મીડિયામાં જોયા હતા. અને તેમાંથી પ્રેરણા મેળવી હતી અને ચિલઝડપ કરવાના રવાડે ચડ્યો હોવાનું જણાવ્યું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ, ચિલઝડપ કરેલા ચેઇન તે સ્મોલ ફાયનાન્સ બેંકમાં ગિરવે મુકી તેના પર લોન લઇ લેતો હતો. એ પછી થોડા સમય બાદ ગીરવે મુકેલા દાગીના પાછા છોડાવી લેતો હતો. દાગીના ખરીદનાર પાસે જ દાગીના વેંચવાની તેની મોડેસ ઓપરેન્ડી હતી. આ ઉપરાંત એઝાઝ ચિલઝડપ બાદ પોતાની ઓળખ છુપાવવા એકટીવાની ડેકીમાં બીજુ ટી-શર્ટ અને ટોપી રાખતો હતો. ચિલઝડપ કર્યા બાદ આગળ જઇ પહેરેલુ શર્ટ-ટીશર્ટ કાઢી નાંખી ડેકીમાંથી બીજુ પહેરી ટોપી પણ પહેરી લેતો હતો.

Facebook Comments Box

Videos

Our Partners