• ગુજરાત ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે
  • શહેરનાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સાથે પાટીલે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી
  • વજુબાપાએ રમુજી અંદાજમાં કહ્યું- હમણાં મગજ તો ચલાવવાનું છે નહીં એટલે પગ ચલાવું છું

WatchGujarat. ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે. બપોર બાદ ઇમ્પીરિયલ હોટલ ખાતે ઉદ્યોગકારો સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેરનાં પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સાથે પાટીલે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ રખડતા ઢોર મામલે મેયરનો કલાસ લીધો હતો. આ દરમિયાન ડેપ્યુટી મેયરને ખુરશી નહીં મળતા પાંચેક મિનિટ ઉભા રહેવાનો વારો આવ્યો હતો. અહીં રસપ્રદ વાત તો એ બની હતી કે, પાટીલનાં આવતા જ ધારાસભ્ય ગોવિંદ પટેલ તેઓને મળવા ગયા હતા. અને બંનેએ કંઈક કાનાફુસી પણ કરી હતી. આ દરમિયાન બંને ગંભીર મુદ્રામાં જોવા મળતા સ્થાનિક રાજકારણ ગરમાયુ છે. ત્યારબાદ પાટીલ વજુભાઇ વાળાનાં નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા. જ્યાં વજુબાપાએ રમુજી અંદાજમાં જ કહી દીધું હતું કે, ‘હમણાં મગજ તો ચલાવવાનું છે નહીં એટલે પગ ચલાવું છું’ બાદમાં પાટીલે ખોડલધામ ‘નરેશ’ સાથે મુલાકાત કરતા અનેક અટકળો ઉઠી છે.

જાણવા મળતી વિગત મુજબ, દિવસમાં 3 કાર્યક્રમની વ્યસ્તતા વચ્ચે પણ પાટીલ પાર્ટીનાં સિનિયર નેતા વજુ વાળા અને ખોડલધામ ‘નરેશ’ પટેલનાં જ નિવાસસ્થાને મળ્યા હતા. આ તકે વજુભાઇ વાળાની તબિયત પૂછતાં તેમણે પોતાના રમુજી અંદાજમાં કહ્યું હતું કે, હમણાં મગજ ચલાવવાનું નથી એટલે હાથ-પગ ચલાવું છું. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં પણ તેઓએ આ જ અંદાજમાં કહ્યું હતું કે, જેની પાસે મગજ હોય એ ચલાવે મારા માટે તો એવો કોઈ સવાલ જ નથી. આ સાથે જ પાર્ટીમાં કોઈપણ જૂથવાદ હોવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે, જે લોકો જૂથવાદ હોવાનું માને છે તેમની ગેરસમજ છે. અને તે દૂર કરવાનો પ્રયાસ કરીશું. જો કે આટલા સિનિયર નેતા જ્યારે એમ કહે કે હાલ મગજ ચલાવવાનું નથી એટલે પગ ચલાવું છું. તેમજ વજુભાઇની આદત પણ મોટી સમસ્યાને રમુજી રીતે રજૂ કરવાની છે. ત્યારે આ એક શબ્દ દ્વારા તેઓ ઘણું કહી ગયા હોવાની ચર્ચા ભાજપનાં આંતરિક વર્તુળોમાં ચાલી રહી છે.

વજુભાઇ સાથે મુલાકાત બાદ પાટીલ ખોડલધામ નરેશ પટેલનાં નિવાસસ્થાને પહોંચ્યા હતા. જ્યાં બંધ બારણે તેમણે નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. ગુજરાતમાં પાટીદારોનાં દિગ્ગજ આગેવાન ગણાતા નરેશ પટેલની પાટીલે લીધેલી આ મુલાકાત બાદ ફરી એકવાર નરેશ પટેલનાં રાજકારણમાં પ્રવેશ અંગે ચર્ચાઓનો દોર શરૂ થઈ ચૂક્યો છે. જો કે હાલ તો પાટીલ અને નરેશ પટેલે આ મુદ્દે મગનું નામ મરી પાડવાનું ટાળ્યું છે. પણ હાલમાં નરેશ પટેલે સરપંચથી સંસદ સુધી પાટીદાર હોવાની જે વાત કહી હતી, ત્યારબાદ પાટીલે સામે ચાલીને તેમની સાથે કરેલી આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે. અને આ મુલાકાતથી પાટીદારોને ખુશ કરવા પાટીલ પ્રયાસરત હોવાનું કહેવું પણ અતિશયોક્તિભર્યું નથી.

આ પહેલા ઇમ્પીરિયલ પેલેસ હોટલે ઉદ્યોગપતિઓના સ્નેહ મિલનમાં પાટીલ આવ્યા તે સાથેગોવિંદ પટેલ તેમની પાસે દોડયા હતા. પાટીલ સાથે હાથ મિલાવીને ગોવિંદ પટેલે તેમના કાનમાં કંઇક કહ્યું હતું. જેને લઈને ધારાસભ્યએ તાજેતરમાં રૂપાણી સાથે સ્ટેજ પર થયેલા વિવાદ મામલે કંઈક ફરિયાદો કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે ગોવિંદ પટેલે પાટીલ સાથે રૂપાણી વિશે વાત કરી કે પછી અન્ય કોઈ મુદ્દે તે અંગે કોઇ સચોટ માહિતી મળી નથી. પણ આ ચર્ચા દરમિયાન બંનેના હાવભાવ જોતા કોઈ અતિ ગંભીર મુદ્દે વાતચીત થઈ હોવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

દરમિયાન પાટીલે રખડતા ઢોર મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવને ટકોર કરતા કહ્યું હતું કે, રસ્તે રઝળતા ઢોર મામલે કામ કરો. કને રસ્તે રઝળતા ઢોર 100 ટકા દૂર થાય તે માટે જરૂરી કાર્યવાહી કરો. સાથે મંદિરો આસપાસ ભિક્ષુકો ઉપરાંત રાજકોટમાં એક પણ કૂપોષિત બાળક ન રહે તે માટે કામ કરવા જણાવ્યું હતું. આ માટે રાજ્ય સરકાર 10થી 15 વીઘા જગ્યા NGOને આપી ઢોર સાચવવા વ્યવસ્થા ગોઢવવા અંગે વિચારણા કરતી હોવાનું પકન જણાવ્યું હતું. તેમજ ઇન્ડસ્ટ્રીઝના વિકાસનો પ્લાન બનાવવાની સલાહ પણ આપી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં ડે. મેયર ડો. દર્શીતાબેનને ખુરશી ન મળતા પાંચેક મિનિટ ઉભું રહેવું પડ્યું હતું. જેને લઈને અનેક ચર્ચાઓ ચાલી હતી.

ઉદ્યોગકારો સાથે વાત કરતા પાટીલે કહ્યું હતું કે, મારી એક મૂંઝવણ છે જેનો તમે લોકો જ ઉકેલ આપી શકો છો. તમે બધા ઉદ્યોગક્ષેત્રના મહારથીઓ છો. ઉદ્યોગોના પ્રશ્નો આવતા જ હોય છે. પરંતુ તેનો ઉકેલ થયા પછી નવા પ્રશ્નો આવતા નથી. ઉદ્યોગોને રૂપિયા 750 કરોડની સબસીડી 1 મહિનાની અંદર પહોંચી ગઈ છે. પરંતુ અંગે તમારા તરફથી કોઈ રિસ્પોન્સ કેમ આવ્યો નથી ? નાના ઉદ્યોગોને સૂચિતમાંથી રેગ્યુલાઈઝ કરવા કામગીરી ચાલુ છે. સરકાર આ મુદ્દે વિચારણા કરી આગળ ટૂંક સમયમાં કામગીરી હાથ ધરશે. આ તકે પાટીલે બેબાકી સાથે કહ્યું હતું કે, વોટની અમે ચિંતા કરતા જ નથી. જે કામ થતા હશે એ કરી જ દઇશું. અને નહીં થાય એવા કામમાં ચોખ્ખા શબ્દમાં ના કહીશું. સાથે-સાથે રૂપાણી સરકારમાં શરૂ થયેલા વિકાસકામો ચાલુ જ રાખવામાં આવનાર હોવાની અને આ માટે નવી સરકાર દ્વારા પણ જરૂરી ફંડ સહિતની મદદ મળતી રહેવાની ખાતરી તેણે આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud