• મહિલાને પહેલી મે ના રોજ ઓક્સીજન ઘટી જતા હોસ્પિટલ લઈ જવાયા હતા
  • મહિલાને હોસ્પિટલના સ્ટાફે ફુલહાર પહેરાવી હોસ્પિટલમાંથી વિદાય આપી
  • પરિવારજનો અને પડોશીઓએ ખુશી સાથે ફટાકડા ફોડી મહિલાનું સ્વાગત કર્યું

WatchGujarat. દાહોદની 45 વર્ષીય મહિલા કોરોનામાં સપડાયા બાદ છ મહિનાની સારવારમાં નવ વખત મોતને હાથતાળી આપી કોરોનાને હરાવ્યો છે. કોરોનાને મહાત્ આપ્યા બાદ હોસ્પિટલના સ્ટાફે ફુલહાર પહેરાવી રજા આપી હતી. બીજી તરફ પરિવારજનો અને પાડોશીઓએ ફટાકડા ફોડી તેનું સ્વાગત કર્યું હતું. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીમાં લોકો તકલીફોનો સામનો કરી રહ્યા છે. પ્રથમ લહેર બાદ કોરોનાની બીજી લહેરમાં અસંખ્ય લોકો કોરોનાની ચપેટમાં આવ્યા હતા. અને અનેક લોકો મોતને ભેટયા હતા. જોકે આજે એવો એક કેસ સામે આવ્યો છે. જેનાથી ઘણાંને હિંમત આવી જશે.

દાહોદ શહેરના ગોધરા રોડ પર રહેતા 45 વર્ષીય ગીતાબેન ધાર્મિક તા.1 મે 2021 ના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેઓને દાહોદની રેલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત લથડતા ગીતાબેનને વડોદરા લઈ જવામાં આવ્યા હતા. તેઓના ફેફસામાં ઇન્ફેક્શન વધી જવાની સાથે સાથે ઓક્સિજન લેવલ પણ સતત ઘટતું જતું હતું. ડોક્ટરોની મહેનત અને ભગવાનની પ્રાર્થના સાથે મોત અને જિંદગી વચ્ચે ઝઝૂમી રહેલા ગીતાબેન ની છ મહિનામાં નવ વખત હાલત નાજુક જણાઈ હતી. આ સમય ડોક્ટરો અને પરિવારજનોએ પણ આશા છોડી દીધી હતી. જોકે રામ રાખે તેને કોણ ચાખે તે ઉક્તિને સાર્થક કરતા ગીતાબેનને મોતને માત આપી હોસ્પિટલની પથારીએ રહ્યા હતા.

તબિયતમાં થોડો સુધારો થતા તેઓને વડોદરાથી ફરી દાહોદની રેલ્વે હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરવામાં આવી હતી. અંતે ઓક્સિજન સિવાયની તકલીફોમાં રાહત થતા તેમજ તેઓનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને હોસ્પિટલના સ્ટાફે ફુલહાર પહેરાવી હોસ્પિટલમાંથી વિદાય આપી હતી. બીજી તરફ પરિવારજનો અને પડોશીઓએ ખુશી સાથે ફટાકડા ફોડી ગીતાબેનનું સ્વાગત કર્યું હતું. હાલ ગીતાબેનને ઓક્સિજનની જરૂર હોવાથી તેઓને ઓક્સિજનની બોટલ સાથે ઘરે રાખવામાં આવ્યા છે. ડોક્ટરોના મત મુજબ હજુ એકાદ મહિનો કદાચ ઓક્સિજનની તેમને જરૂર રહેશે પછી બધું નોર્મલ થઈ જશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud