• દાહોદ શહેર હવે સ્માર્ટ સિટી તરફ આગેકુચ કરી રહ્યું છે પરંતુ પ્રાથમિક જરૂરિયાતો પુરી પાડવામાં ઉણું ઉતર્યું છે
  • થોડા સમય પહેલાં રખડતા ઢોરોની સમસ્યા ના નિકાલ માટે નગરમાં રીક્ષા ફેરવી રખડતા ઢોરોના માલિકોને ચેતવવા માં આવ્યા હતા
  • આવી જ રીતે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોના ત્રાસ ને દૂર કરવાના ઠાલા વચનો ક્યાં સુધી આપવામાં આવતા રહેશે?

WatchGujarat. દાહોદ શહેરમાં સ્થાનિક તંત્રના બેજવાબદારી ભર્યા વહીવટને કારણે રખડતા ઢોરોનો ત્રાસ વધી જતા રાહદારીઓ તેમજ સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. શહેરના રાજમાર્ગો વચ્ચે રખડતા ઢોરો અડીંગો જમાવી બેસી જઈ પેચીદી બનેલી શહેરની ટ્રાફિક સમસ્યા ને વધુ ને વધુ જટિલ બનાવી રહ્યા છે. આજ રોજ શહેરના આંબેડકર ચોક માં બે આખલા વચ્ચે દ્વંદ્વયુદ્ધ ખેલાતા રોડની સાઈડમાં પાર્ક કરેલા કેટલાક ટુ વ્હીલર વાહનોનો ખુરદો બોલી જતાં તે વાહન માલિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

દાહોદ શહેર હવે સ્માર્ટ સિટી તરફ આગેકુચ કરી રહ્યું છે. ત્યારે પાલિકાતંત્ર નગરજનોની પાયાની સુવિધાઓ પ્રદાન કરવા ના પ્રયાસોમાં રત છે. પરંતુ દાહોદ શહેર ને વર્ષોથી કનડતી રખડતા ઢોરોની સમસ્યા ના ઉકેલ માટે પાલિકા તંત્ર દરેક વખતે વામણું પુરવાર થતું જોવા મળ્યું છે. થોડા સમય પહેલાં રખડતા ઢોરો ના ત્રાસ ના મામલે લોકોમાં ફેલાયેલા રોષને પારખી પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા ના નિકાલ માટે નગરમાં રીક્ષા ફેરવી રખડતા ઢોરોના માલિકોને ચેતવવા માં આવ્યા હતા. પરંતુ આ સમસ્યા યથાવત રહેતા પાલિકાનું આ પગલું રોતા ને છાના રાખવા જેવું પુરવાર થયું હતું.

આવી જ રીતે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરોના ત્રાસ ને દૂર કરવાના ઠાલા વચનો ક્યાં સુધી આપવામાં આવતા રહેશે? આજ રોજ શહેરના આંબેડકર ચોકમાં બે આખલાઓ વચ્ચે ખેલાયેલા દ્વંદ યુદ્ધમાં કેટલાક દ્વિચક્રી વાહનોનો ખુરદો બોલી જતા તે વાહનમાલિકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ મામલે પાલિકા ની દર વખતે કરવામાં આવતી જાહેરાતો માત્ર ને માત્ર  ફારસરૂપ સાબિત થતી જોવા મળી છે. ત્યારે રખડતા ઢોરો ની સમસ્યાના કાયમી નિકાલ માટે પાલિકા દ્વારા જેમ બને તેમ જલ્દી સુચારુ અને પરિણામલક્ષી પગલાં લેવામાં આવે છે. તેવી નગરજનોની લાગણી અને માગણી છે.

Facebook Comments Box

Videos

Our Partners