• શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પુરસ્કાર એનાયત કરાયા
  • પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે – ગૃહરાજયમંત્રી

WatchGujarat. સુરત શહેર પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી કાબિલેદાદ અને શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગૃહરાજયમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં પ્રથમ વાર ડ્રગ્સ રીવોર્ડ પોલીસી બનાવવાનુ કાર્ય કર્યું છે. કોરોનાના કપરા કાળ દરમિયાન પોલિસ જવાનોએ ખડેપગે રહીને કરેલી કામગીરીને યાદ કરી હતી. આ બદલ સૌ પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.

ગૃહરાજ્યમંત્રીની પોલીસ તંત્રને ટકોર

આ તકે ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ ટકોર કરતાં જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમ તોડનારા નાગરિકો સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરવાની ટકોર પણ કરી હતી. પોલીસ સ્ટેશનમાં આવતા સામાન્ય માનવી સાથે સારો સાલશભર્યો વ્યવહાર થાય તે જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું, રાજયમાં ૬૩ દિવસમાં ૬૭ કેસોમાં ૧૩૫૦ કરોડનું ડ્રગ્સ પકડીને ગુજરાત પોલીસે શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજયની શાંતિ, સલામતી અને સુરક્ષાએ ગુજરાતની પોલિસને આભારી છે. તેમણે કહ્યું કે, આગામી સમયમાં પોલીસ કર્મયોગીને રહેવા માટે મકાનો મળી રહે તે માટે હાઉસીંગ પોલિસી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. પોલીસની કોઈ મુશ્કેલીઓને હશે તે તેનું સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતું.

સુરત પોલીસને અદ્યતન ટેક્નોલોજી સાથેના સાધનો મળે તેવા અમારા પ્રયત્નો છે- સી.આર.પાટીલ

સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, પોલીસ કર્મયોગીઓ નોકરી દરમિયાન અને રિટાયર્ડ થયા બાદ રહેવા માટે મકાનો મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સાયબર ક્રાઇમ ડિટેકશન કરવા માટે અદ્યતન ટેકનોલોજી સાથેના સાધનો સુરતને મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ગુજરાતમાં ૨૬ હજાર નવી પોલીસ ભરતીઓ સંપૂર્ણ પારદર્શિતા સાથે થાય તે માટે પણ કાર્ય થઈ રહ્યું છે. જો પોલીસ જવાનોના પ્રશ્નો હશે તો તેનું ચોક્કસ નિરાકરણ કરવામાં આવશે તેવી હૈયાધરપત તેમણે આપી હતી. આગામી સમયમાં નવી ટી.પી.સ્કીમો પડે ત્યારે પોલીસ સ્ટેશન માટેની જગ્યાની પણ ફાળવણી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

સામાન્ય માનવીને અભયદાન આપવાનું કાર્ય પોલીસ જવાનોએ મક્કમતાપૂર્વક કરવાનું છે- સુરત પોલીસ કમિશનર

પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ દ્વારા થઈ રહેલી કામગીરી બાબતે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન સામાન્ય માનવીઓને ફ્રુટ પેકેટ, દવા વિતરણ જેવી સંવેદશીલ કામગીરી કરવામાં આવી હતી. જયારે ગુનેગારો સામે કઠોર અને મક્કમતા સાથે પાસા હેઠળ કામગીરી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સામાન્ય માનવીને અભયદાન આપવાનું કાર્ય પોલીસ જવાનોએ મક્કમતાપૂર્વક કરવાનું છે તેમ જણાવીને શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન લેન્ડ માફીયાઓ વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરી, બળાત્કારીઓને ઝડપી ચાર્જશીટ, ગુજ સી ટોક હેઠળની કામગીરી, ડ્રગ્સ વિરૂધ્ધ અભિયાન, સાયબર સંજીવની હેઠળ ૩૦ લાખ નાગરિકોને તાલીમ જેવા અનેકક્ષેત્રોમાં પોલીસે કરેલી શ્રેષ્ઠ કામગીરીને વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે શહેર પોલીસની વિવિધ શાખાઓ દ્રારા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ કેસોમાં કરેલી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ, સાયબર સુરક્ષા જાગૃતિ, અંગદાન માટે ગ્રીન કોરિડોર, સીટીઝન સેફટી એવોર્ડ, શ્રેષ્ઠ ઈન્વેસ્ટીગેશન કરનારા અધિકારી, નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન, નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી જેવા અનેકક્ષેત્રોમાં પોલીસ જવાનોએ કરેલી કામગીરી બદલ મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત કોરોનાકાળ દરમિયાન કોરોના સંક્રમણના કારણે શહીદ થયેલા પરિવારજનોને સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત શહેરના શ્રેષ્ઠીઓને પણ સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે શૌર્ય અને સેવાનો રંગ ખાખી તથા સાયબર ક્રાઇમને લગતી માહિતીથી લોકો જાગૃત થાય તે માટે સાયબર સંજીવની પુસ્તકનુ વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, સંગીતાબેન પાટીલ, અરવિંદ રાણા, પ્રવિણ ધોધારી, કાંતિભાઈ બલર, સરકારી વકીલ નયન સુખડવાલા, શાસક પક્ષના નેતા અમીત રાજપુત, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા કલેકટર આયુષ ઓક, અધિક પોલીસ કમિશનર શરદ સિધલ તથા પ્રવિણ મલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud