• સુરતની 300 જેટલી શાળાઓને જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી
  • રાજ્ય સરકારની સુરક્ષા કવચ એપ પર વિગતો અપલોડ કરવામાં આડાઈ કરતી હોવાથી DEO એ લેખિત ખુલાસા મંગાવ્યા
  • સુરક્ષા કવચ એપ પર શાળાઓને રોજેરોજની વિગતો અપલોડ કરવા તાકીદ કરાઈ હતી
  • સુરતની 1300 પૈકી આશરે 300 જેટલી શાળાના સંચાલકોએ બાળકોનાં આરોગ્યની કાળજીમાં દુર્લક્ષ સેવ્યું

WatchGujarat. ડોનેશન અને ફીના નામે ઉઘરાણાં કરતી શહેરની જાણીતી સ્કૂલ્સને બાળકોનાં આરોગ્યની પડી હોય તેવું જણાતું નથી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા કવચ એપ ઉપર શાળા દ્વારા કોરોના ગાઈડલાઈન અંગેની વિગતો મંગાવવામાં આવતી હોય છે. પરંતુ સુરતની 300 જેટલી શાળાઓ રાજ્ય સરકારની આ સુરક્ષા કવચ એપ ઉપર વિગતો અપલોડ કરવામાં આડાઇ કરતી હોવાથી DEO એ નોટિસ ફટકારી લેખિત ખુલાસા મંગાવ્યા છે.

મહત્વનું છે કે સુરત શહેર અને જિલ્લામાં ફરી બિલ્લીપગે કોરોના પગપેસારો કરી ગયો છે. રોજબરોજ કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. કોરોનાના સંક્રમણમાં રોજરોજ નવા વેરિએન્ટનું મિશ્રણ બહાર આવતાં તંત્ર હરકતમાં આવી ગયું છે. દેશભરમાં ફરી કોરોનાનો ભય ડોકાવા લાગ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં 1300 પૈકી આશરે 300 જેટલી શાળાના સંચાલકોએ બાળકોનાં આરોગ્યની કાળજીમાં દુર્લક્ષ સેવ્યું છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારે કોવિડ ગાઇડલાઇનના પાલનની શરતે શાળાઓ શરૂ કરવા પરવાનગી આપી હતી. આ સાથે દરેક શાળા તરફથી પણ કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે તૈયારી દર્શાવાઇ હતી. પરંતુ તે માત્ર શાળા શરૂ કરવા પૂરતું જ દેખાઇ રહ્યું છે. કારણ કે શહેરની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સહિત સરકારી અને ખાનગી સહિત અનેક સ્કૂલોએ સુરક્ષા કવચ એપની અનદેખી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરક્ષા કવચ એપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. જેમાં શાળાઓને રોજેરોજની વિગતો અપલોડ કરવા તાકીદ કરાઈ હતી. પરંતુ શાળાના મેનેજમેન્ટ તરફથી આ એપને ગંભીરતાથી લેવાઇ ન હતી. જેના પગલે અકળાઇ ઊઠેલા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)એ 300 જેટલી અલગ અલગ શાળાઓને નોટિસ ફટકારી લેખિત ખુલાસા માંગ્યા છે.

નોંધનીય છે કે સુરક્ષા કવચ એપમાં બાળકોની હાજરી ગેરહાજરી સહિત આરોગ્યવિષયક માહિતી શાળાએ અપલોડ કરવાની હોય છે. પરંતુ શાળા સંચાલકો તરફથી કોઇ પ્રતિભાવ નહીં અપાતાં ડીઇઓએ નોટિસો ફટકારી છે.

ફરી એકવાર સુરતમાં સ્થિતિ વણસી જવાની ભીતિ સેવાઇ

શહેરમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. ચાલુ માસના અંત સુધીમાં ફરી એકવાર સુરતમાં સ્થિતિ વણસી જવાની ભીતિ સેવાઇ રહી છે. જે મુદ્દે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, હંમણા કોરોનાના જે દર્દી મળી રહ્યા છે તેમાં માઇલ્ડ લક્ષણ હોવાથી લોકો ત્રીજી લહેરને હજુ ગંભીરતાથી જોતા નથી. જે યોગ્ય નથી. હોસ્પિટલાઇઝેશનની સંખ્યા ઓછી છે તેનો અર્થ એ નથી કે ચિંતાનું કારણ નથી. કમિશનરે આવનારા દોઢ મહિના સુરત માટે જોખમી હોય લોકોને ખાસ તકેદારી રાખવા પણ અપીલ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud