• સમિતિના બંને હોદ્દાઓ ઉપર નિયુક્તિ થતાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો
  • અધ્યક્ષ અને ઉપાધ્યાક્ષના નામોની લાંબા સમયથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો
  • અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના દાવેદારોએ લોબિંગ શરૂ કર્યું હતું

WatchGujarat.વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પદ માટે ચૂંટણી આજે યોજાઇ હતી. જેમાં અધ્યક્ષ તરીકે હિતેશ પટણી અને ઉપાધ્યક્ષ પદે હેમાંગ જોશીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. આજે સમિતિના બંને હોદ્દાઓ ઉપર નિયુક્તિ થતાં લાંબા સમયથી ચાલતી ચર્ચાઓનો અંત આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ મુદ્દે અટકળો પૂરજોશમાં હતી. દરમિયાન આજે શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી માટે નવા વર્ષની પ્રથમ બેઠક મળી હતી. મેયર કેયુર રોકડિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં હિતેશ પટણીની અધ્યક્ષ તરીકે અને ડો. હેમાંગ જોશીની ઉપાધ્યક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી હતી. આ વખતે શિક્ષણ સમિતિ વિપક્ષ વિનાની બની ગઇ છે.

આ પ્રસંગે ચેરમેન હિતેશ પટણીએ જણાવ્યું હતું કે, હાલ વડોદરા શહેરમાં સમિતિની ત્રણ અંગ્રેજી માધ્યમની શાળા કાર્યરત છે. આગામી સમયમાં વધુ અંગ્રેજી માધ્યમની સ્કૂલો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત સમિતિની સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે આવતા ગરીબ બાળકોને સારું શિક્ષણ મળે તેવા પણ પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના દાવેદારોએ લોબિંગ શરૂ કર્યું હતું. આ બેઠક અગાઉ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો.વિજય શાહના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામની પસંદગી બાદ બેઠકમાં દરખાસ્ત રજૂ થતાં ચૂંટણી યોજાઈ હતી. શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દાની મુદત અઢી વર્ષની હોય છે. વર્ષ 2016 અગાઉ મુદત પાંચ વર્ષની હતી. અધ્યક્ષ ઉપાધ્યક્ષની ચૂંટણી મેયરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શિક્ષણ સમિતિમાં કુલ 15 સભ્યો છે જે પૈકી 12 સભ્યો ચૂંટાયેલા છે. જ્યારે એક સરકારી અને બે બિનસરકારી છે.

Facebook Comments Box

Videos

Our Partners