• રાજ્યમાં વર્તમાન સમયે ઇ-મોપેડ ખરીદવાનો ટ્રેન્ડ સેટ થઇ રહ્યો છે.
  • રાજ્યમાં વર્તમાન સમયે કુલ 2633 ઇ-મોપેડ ઓનરોડ હોવાનું રેકોર્ડ પર નોંધાયુ
  • સુરત શહેરમાં ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા 6000 પ્લસ થઇ ચૂકી છે

WatchGujarat. રાજ્ય સરકાર પેટ્રોલ-ડિઝલથી દોડતા વાહનો વચ્ચે ઇ-વ્હીકલ ઉપર વિશેષ ભાર આપી રહી છે. એર પોલ્યુશનનો ગ્રાફ નીચે લઇ જવા ઇ-વ્હીકલની ખરીદીમાં રાજ્યભરમાં સુરત સિટી મોખરે બન્યુ છે. જો કે અમદાવાદમાં  ઇ-કાર તો સુરતમાં ઇ-મોપેડ સૌથી વધુ ખરીદવામાં આવી હોવાનું સરકારી ચોપડે નોઁધાયુ છે.

મિડીયા રિપોર્ટ મુજબ પેટ્રોલ અને ડિઝલની કિંમત તબક્કાવાર સતત વધી રહી છે. આ હકીકત વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની દિશામાં ઇ-વ્હીકલ નવો વિકલ્પ બની રહ્યા છે. શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન માટે પણ ઇ-બસ દોડતી થઇ છે. સરકારી વાહનો પણ આવનારા નજીકના દિવસોમાં ઇ-વ્હીકલમાં કન્વર્ટ થવા જઇ રહ્યા છે. ઇ-વ્હીકલ પ્રત્યે સુરતીઓ જાગૃત થયા છે. એર પોલ્યુશનથી છુટકારો મેળવવા અને ધ્વનિ પ્રદુષણ રહિત ઇ-વ્હીકલ ખરીદવા ઉપર ભાર મુકવાનુ શરૂ કર્યુ છે. સુરતીઓએ ઇ-વ્હીકલ ખરીદવા પાછળ દાખવેલી સક્રિયતાની રાજ્ય સરકાર દ્વારા વિશેષ નોંધ લેવામાં આવી છે. આજે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવામાં સુરતવાસીઓએ રાજ્યના અન્ય મહાનગરોને પાછળ છોડી દીધા હોવાનું નોંધાયુ છે.

રાજ્યના વિવિધ મહાનગરોમાં નોંધાયેલા ઇ-વ્હીકલની સંખ્યા

શહેરનું નામ               ઇ-વ્હીકલની સંખ્યા

સુરત                           6678

અમદાવાદ                     4124

અમદાવાદ (પૂર્વ)            1159

વડોદરા                        1475

રાજકોટ                        1197

ગાંધીનગર                      737

ભાવનગર                      327

જામનગર                      725

જૂનાગઢ                        153

કુલ                             16675

રાજ્યમાં કુલ 2633 ઇ-મોપેડ પૈકી 2000 સુરતમાં

પેટ્રોલના પ્રતિદિન વઘતા જતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવા તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખાસ કરીને ઘરની મહિલાઓ બાળકો અને પરિવારના સિનિયર સિટીઝન વ્યક્તિ માટે ઇ-વ્હીકલ ખરીદવા ઉપર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને પગલે પેટ્રોલથી ચાલતા મોપેડ ખરીદવાને બદલે વર્તમાન સમયે ઇ-મોપેડ ખરીદવાનો ટ્રેન્ડ સેટ થઇ રહ્યો છે. આને કારણે ગુજરાત રાજ્યમાં વર્તમાન સમયે કુલ 2633 ઇ-મોપેડ ઓનરોડ હોવાનું રેકોર્ડ પર નોંધાયુ છે. આ પૈકીના લગભગ 80 ટકા મોપેડ સુરતના રસ્તા ઉપર દોડી રહ્યાં છે.

વર્ષ 2025 સુધીમાં 40,000 વ્હીકલ ઓનરોડ કરવા લક્ષ્યાંક

સુરત શહેરમાં ઇલેક્ટ્રીક વાહનોની સંખ્યા 6000 પ્લસ થઇ ચૂકી છે. આગામી નજીકના ત્રણ વર્ષમાં ગુજરાતમાં 2,00,000 ઇ-વ્હીકલ ઓનરોડ કરવા રાજ્ય સરકાર સક્રિય બની છે. આ પૈકી સુરત શહેરના રોડ રસ્તા પર 40000થી વધુ ઇ-વ્હીકલ દોડતા કરવા પાલિકા તંત્ર દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યના કુલ ઇ-વ્હીકલોમાં સુરત સિટીમાં 20 ટકા વાહનો ઇલેક્ટ્રીક વ્હીકલ હોય તે માટે પાલિકા દ્વારા રજીસ્ટ્રેશન ટેક્સમાં છુટછાટથી માંડી પે એન્ડ પાર્ક ફ્રી અને જાહેર સ્થળોએ ચાર્જિગ સ્ટેશનની સુવિધા ઉભી કરવા સહિત એક સાથે અનેક દિશામાં તજવીજ હાથ ધરી છે.

સુરતમાં 324 તો અમદાવાદમાં 527 ઇ-કાર

રાજ્યમાં સૌથી વધુ ઇ-વ્હીકલ ખરીદવામાં સુરતીઓ સૌથી આગળ છે. તો ઇલેક્ટ્રીક કારની કેટેગરીમાં અમદાવાદના રહીશો અવ્વલ જણાયા છે. સુરતના રોડ રસ્તા ઉપર કુલ 324 જેટલી ઇ-કાર દોડી રહી છે. અમદાવાદના માર્ગો ઉપર 527 ઇલેક્ટ્રીક કાર હોવાનુ નોધાયુ છે. મોટર સાઇકલ કેટેગરીમાં સુરતમાં 4213 ઇ વ્હીકલ છે. જ્યારે અમદાવાદમાં 3133 ઇ સ્કુટર ખરીદવામાં આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners