નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વીંધ્યાચલ તેમજ સાતપુડાની ગિરિમાળાને જોડતી વિશ્વકક્ષાની રોપ વે ( કેબલ કાર ) બનાવાશે
અહિંયા દર્શાવવામાં આવેલી તમામ તસ્વીરો માત્ર #watchgujarat પાસે જ છે.
વિક્કી જોષી (ભરૂચ). કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી વિશ્વ વિરાટ પ્રતિમાને લઈ દુનિયાના નકશામાં અંકિત થવા સાથે વિશ્વની 8મી અજાયબી બની ગયું છે. વર્લ્ડ કલાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા કેવડિયા ખાતે રૂપિયા 62 કરોડના ખર્ચે વર્લ્ડ કલાસ રોપ વે માટે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી ટેન્ડર જારી કરી દેવાયું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી , નર્મદા ડેમ સાઇટ કેવડિયા ખાતે એક બાદ એક આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે. સફારી પાર્ક, કેકટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, બોટિંગ, બટરફલાય ગાર્ડન, ટેન્ટ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક સહિતની સુવિધાઓ, આકર્ષણો માં હવે વિશ્વકક્ષાનું વધુ એક નજરાણું સરકાર ઉમેરવા જઇ રહી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ₹4000 કરોડનો મહત્વકાંક્ષી પ્રોજેકટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ હોવા સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈને દેશના 182 રજવાડા ભેગા કરવા અપાયેલ યોગદાનની અંજલિ રૂપ છે.
SOU પેહલા જ દુનિયાની 8 મી અજાયબીમાં લખાઈ ચુક્યો છે ત્યારે વર્ષે 50 લાખ પ્રવાસીઓને આવકારવા સરકારે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે વીંધ્યાચલ તેમજ સાતપુડાની ગિરિમાળાને જોડતી વિશ્વકક્ષાની રોપ વે ( કેબલ કાર ) માટે ટેન્ડર બહાર પાડ્યું છે. યુરોપિયન ડિઝાઇન, ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ મુજબ કેવડિયામાં SOU થી કેકટર્સ ગાર્ડનને જોડતી 1.25 કિલોમીટર લાંબી રોપ વે રૂપિયા 62 કરોડના ખર્ચે 24 મહિનામાં સાકાર કરવામાં આવશે.
રોપ વે શરૂ થતાં નદીના એક છેદે થી રોપ વેમાં બેસી પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓ નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નીચેથી પસાર થતી નર્મદા નદી, સફારી પાર્ક, કેકટર્સ ગાર્ડન, ફ્લાવર ઓફ વેલી, ગ્રીન વેલી સહિત આહલાદક નજારાઓ માણી શકશે.
- પ્રારંભે 800 અને પછી 1500 લોકો પ્રતિ કલાકે પસાર થશે
30 વર્ષ સુધી કરવી પડશે જાળવણી
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા કેવડિયા રોપ વે નું ટેન્ડર ડિઝાઇન બિલ્ડ ફાયનાન્સ ઓપરેટ મેઇન્ટેઇન એન્ડ ટ્રાન્સફર ( DFBOT ) ધોરણે બહાર પડાયું છે. જેની અવધિ 29 સપ્ટેમ્બરે પુરી થશે. જે કોન્ટ્રાકટ મેળવશે તેણે 30 વર્ષ સુધી રોપ વે નું સંચાલન, મરામત, જાળવણી કરવાની રહેશે.
1.25 KM લંબાઈ, 24 મહિનામાં કામ પુરુ કરવાનું રહેશે
કેકટર્સ ગાર્ડનના લોઅર ટર્મિનલ પોઇન્ટ થીં અપર ટર્મિનલ પોઇન્ટ સુધી 1.25 કિલોમીટરની રોપ વે ની લંબાઈ હશે. કામગીરી 24 મહિના એટલે કે 2 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે તે પણ યુરોપીયન સ્ટાન્ડર્ડ પ્રમાણે.
₹70 મહત્તમ ટીકીટ, નદીમાં ટાવર નહિ આવે
રોપ વે ની એક વ્યક્તિની પેહલા વર્ષે મહત્તમ ટીકીટ રૂપિયા 70 નક્કી કરાઇ છે. નદીમાં વચ્ચે એક પણ ટાવર નહિ આવે. ડેમના મહત્તમ ફ્લડને ધ્યાને રાખી નદી વચ્ચે થી પસાર થતી કેબલ કારની ઊંચાઈ હશે.
LTP અને UTP માં શુ હશે.
લોઅર ટર્મિનલ પોઇન્ટ જંગલ સફારી પાર્કિંગ એરિયામાં હશે. જ્યાં 1200 સ્કવેર મીટરમાં રોપ વે સ્ટેશન બનશે. અપર ટર્મિનલ પોઇન્ટ 2000 સ્કવેર મીટરમાં બનશે જે હિલોક કેકટર્સ ગાર્ડન પાસે હશે. 1200 સ્કવેર મીટરમાં સિસ્ટમ અને 800 સ્કવેર મીટરમાં ગોંડોલા ( કેબીન-ઉડન ખતોલા ) પાર્ક થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી કેકટર્સ ગાર્ડન નું રસ્તાથી 13.80 કિમિ નું અંતર રોપ વે થી આહલાદક નજારાઓ નિહાળતા 5 મિનિટમાં નદી ઉપરથી કપાશે.