- રાજ્યભરમાં મેડિકલ સ્ટોર્સ પર તોલમાપ વિભાગના દરોડા
- દર્દીઓને લૂંટતા 40 એકમોને રૂ. 5 લાખનો દંડ કરાયો, દવાના પેકિંગ પર એમઆરપી ચેકી નાખી વધુ ભાવ વસુલાતો
- વડોદરામાં સૌથી વધુ 9 મેડિકલ સ્ટોર્સને દંડ ફાટકારાયો, અમદાવાદના 5 મેડિકલ સ્ટોર્સને દંડ
- દેશમાં મેડિકલ સ્ટોર્સ પર દરોડાની આ પહેલી ડ્રાઈવ છે
WatchGujarat. કોરોના મહામારીમાં લોકોની પીડામાં પણ લૂંટની તક ન છોડનાર મેડિકલ સ્ટોર્સ સામે તોલમાપ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યભરમાં તોલમાપ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 40 જેટલી મેડિકલ સ્ટોર્સમાં પેકિંગ પર MRP સાથે છેડછાડ કરતા હોવાનું જણાતા રૂ.5 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ વડોદરા શહેરના 9 સ્ટોર્સને દંડ ફટકારાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં પહેલીવાર મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા છે.
હાલમાં કોરોનાની ત્રીજી લહેર પીક પર છે. જેથી સંક્રમિત દર્દીઓની સંખ્યાની સાથે મેડિકલ સ્ટોર્સમાં દવાઓના વેચાણમાં પણ વધારો થયો છે. કોરોના સંક્રમણની વિકટ પરિસ્થિતમાં દવા સહિતના ઉપકરણોની ખરીદીમાં ઉછાળો આવ્યો છે. જેના કારણે વેપારીઓ દ્વારા એમઆરપી જેવી બાબતો પ્રોડક્ટ પર ન દર્શાવતા અપુરતી માહિતીને કારણે ગ્રાહકો અંધારામાં રહીને છેતરાય છે તથા તેના લીધે તેની સારવારમાં પણ ઉણપ રહેવાની સંભાવના રહેલી છે. ત્યારે દર્દીઓ મેડિકલ સ્ટોર્સ દ્વારા છેતરાય નહીં તે માટે તોલમાપ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ પ્રકારની ઝુંબેશ ગુજરાત રાજયમાં જ પ્રથમ વખત નહી પરંતુ સમગ્ર દેશમાં પણ પ્રથમ વખત થઇ છે.
રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં તોલમાપ વિભાગે તપાસ હાથ ધરી
તોલમાપ વિભાગ દ્વારા સમગ્ર રાજયમાં મેડીકલ ડીવાઇઝના વિક્રેતા તથા મેડીકલ સ્ટોર્સ પર ઓચિંતી તપાસ ઝુંબેશ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી. આ તપાસ દરમિયાન ઘણા એકમોએ પેકિંગ પરના MRP પર છેડછાડ કરીને વધુ રકમ વસુલતા હોવાનું સામે આવ્યુ હતું. સમગ્ર રાજયમાં કરેલી તપાસમાં 40 એકમો નિયમોનો ભંગ કરતા હોવાથી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી આશરે 5 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
શહેર – કાર્યવાહી કરાયેલા સ્ટોર્સની સંખ્યા
- વડોદરા – 9
- અમદાવાદ – 5
- રાજકોટ – 6
- જામનગર – 5
- સુરેન્દ્રનગર – 3
- પાલનપુર – 4
- મહેસાણા – 2
- સાબરકાંઠા – 2
- કચ્છ – 2
પ્રોડક્ટના પેકિંગ પર આટલી માહિતી દર્શાવવી જરૂરી
- ઉત્પાદક-પેકર-ઇમ્પોર્ટરનું નામ અને સરનામું
- પ્રોડકટનું નામ
- પેકીંગ-મેન્યુફેકચરીંગ માસ અને વર્ષ
- એમ.આર.પી. (તમામ કરવેરા સહિત) પ્રોડકટનો નેટ જથ્થો-નંગ
- કસ્ટમર કેર નંબર
- ઇમેલ એડ્રેસ
- જો ડીવાઇસને આયાત કરેલ હોય તો તે ડીવાઇસની કન્ટ્રી ઓફ ઓરીજીન દર્શાવવું