WatchGujarat. છેલ્લાં 3 માસમાં રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી 228 બોગસ તબીબોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કોરોના કાળમાં જ્યાં લોકો આરોગ્ય સુવિધાઓ માટે હાલાકી ભોગવી રહ્યાં હતાં ત્યારે ગુજરાતમાં અનેક એવા બોગસ તબીબો ફુટી નીકળ્યા હતા. જેમણે બોગસ ડીગ્રી બનાવી અને તબીબી પરીક્ષણ કર્યા હતા. જો કે આ વાતની જાણ થતાં જ રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આવા બોગસ તબીબોને ઝડપી પાડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી પોલીસે અલગ-અલગ જીલ્લામાંથી બોગસ તબીબો સામે કુલ 218 ગુના દાખલ કર્યા છે. સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન લોકોને સારવાર માટે બેડ, ઓક્સિજન સુવિધા સહિતની અનેકગણી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. આવા કપરા સમયમાં આ તકનો લાભ લઈ રાજ્યમાં ઠેરઠેર હોસ્પિટલો શરૂ થઈ ગઈ હતી. સાથે જ એવા અનેક લોકો સામે આવ્યા જેમણે આ તકનો લાભ ઉઠાવી બોગસ ડીગ્રી બનાવી અને હોસ્પિટલના નામે હાટડીઓ ખોલી સારવાર કરવાની શરૂઆત કરી. રાજ્ય ગૃહ વિભાગને આ બાબતે અનેક રજૂઆતો દ્વારા ફરિયાદ કરવામાં આવી.

આ મામલે મળેલી ફરિયાદોને આધારે રાજ્ય ગૃહ વિભાગે લોકોના સ્વાસ્થ્યના નામે ચેડાં કરતાં આવા બોગસ તબીબો ઝડપી પાડવા માટે રાજ્ય પોલીસ વડાને આદેશ કર્યાં હતા. આ આદેશ એપ્રિલ 2021માં કરવામાં આવ્યો હતો. જે બાદ આ આદેશના પગલે ઠેરઠેરથી બોગસ તબીબોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 218 બોગસ તબીબો સામે કેસ કરવામાં આવ્યા છે. જેમાં કુલ 228 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલા 218 ગુના પૈકી 15 ગુનામાં ચાર્જશીટ કરવામાં આવી છે. તેમજ 203 ગુનામાં હજુ પણ ચાર્જશીટ કરવાની બાકી છે.

જો કે રાજ્યમાં હજુ પણ આવા બોગસ તબીબોને શોધવા માટે ઝુંબેશ યથાવત જ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર બોગસ તબીબો સામે પોલીસે કટક વલણ અપનાવ્યું છે. પોલીસની આ ઝુંબેશથી બોગસ તબીબોના આ ગોરખધંધાનો પર્દાફાશ કરી શકાશે. તેમજ લોકોને યોગ્ય આરોગ્ય સુવિધા પૂરી પાડી શકાય. પરંતુ પ્રજાના મનમાં હજી પ્રશ્ન ઉભો છે કે આવી બોગસ હોસ્પિટલ તથા ક્લિનીક ખોલવા માટે મંજૂરી આપનારા તંત્ર અને અધિકારીઓ સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે ?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud