• માત્ર આઈ-કાર્ડ માંગતા જ કોન્સ્ટેબલનો અહમ ઘવાયો,કાર ટો કરાવી
  • એકત્રીત થયેલા ટોળાએ પોલીસના જડ વલણ સામે હુરીયો પણ બોલાવ્યો
  • ખુદ કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના મોટરસાયકલ પર જ નંબર પ્લેટ ન હતી

WatchGujarat. રાજ્યનાં ગૃહમંત્રી અવાર-નવાર પોલીસને પ્રજા સાથે મળીને કામ કરવા માટે આગ્રહ કરતા હોય છે.હાલમાં જ સુરતમાં એક કાર્યક્રમમાં હાજર રહેલા રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંધવીએ પોલીસને ટકોર કરી હતી કે ટ્રાફિક નિયમ તોડનારા રીઢા ગુનેગાર નથી, તેમની સાથે માનવતાપૂર્વક વ્યવહાર કરો. પરંતુ આ ટકોર કદાચ રાજકોટ સુધી પહોંચી નથી તેવુ જોવા મળતો આ કિસ્સો સામે આવ્યો છે.

વાત રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીની છે.મળતી માહિતી મુજબ અમદાવાદની ચાર મહિલા રાજકોટ આવી હતી પરત ફરતી વખતે ગ્રીન લેન્ડ ચોકડી પાસેના પાણીના ટાંકા પાસે પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચેકીંગ ચાલુ હોવાથી તેમની કાર રોકવામાં આવી હતી અને પીયુસી, ડ્રાઈવીંગ લાયસન્સ વગેરે દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા. જેની સામે એક મહિલાએ ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ કે જેનું નામ હસમુખ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે, તેની પાસેથી તેનું આઈ-કાર્ડ માંગતા જ હસમુખ રાઠોડનો અહમ ઘવાયો હતો અને તેણે કાર ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી. મહિલાઓ કોઈ પણ રીતે કારમાંથી ઉતારવા તૈયાર થઈ ન હતી. આખરે ટોઈંગ વાન મંગાવી તેમની કાર ટો કરવાનું શરૂ કરાયું ત્યારે પણ મહિલાઓ કારમાંથી ઉતરી ન હતી. જેને કારણે બંને પક્ષો વચ્ચે રકઝક અને માથાકુટ થઈ હતી.

સમગ્ર ઘટનાની જાણ થતા પીસીઆર વાન અને બીજા પોલીસના માણસો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે પણ કાર ટો કરવાને બદલે હાજર દંડ વસુલ કરવાની ટ્રાફિક બ્રાન્ચના કોન્સ્ટેબલ રાઠોડને વિનંતી કરી હતી. પરંતુ તે ટસનોમસ થયો ન હતો અને પોતાનું અપમાન થયાનું ગણાવી કોઈ પણ સંજોગોમાં કાર ટો કરવાની જીદ પકડી રાખી હતી. એક તબક્કે ત્યાં એકત્રીત થયેલા ટોળાએ પોલીસના જડ વલણ સામે હુરીયો પણ બોલાવ્યો હતો. જેની સામે પોલીસ લાકડીઓ લઈ ટોળા સામે દોડી હતી. આખરે ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઈ જેબલીયા સ્થળ પર પહોંચ્યા હતા અને તેમણે મહિલાઓને સમજાવી તેમની કાર ટો કરી શિતલ પાર્ક લઈ ગયા હતા. જયાં બાદમાં દંડ વસુલ કરી કાર છોડી મુકી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કાયદા કાનુનના પોતાને જાણકાર ગણાવતા કોન્સ્ટેબલ હસમુખ રાઠોડના મોટરસાયકલ પર જ નંબર પ્લેટ ન હતી. ત્યારે સવાલ એ થાય છે ખુદ નિયમોનું પાલન કરતા નથી અને સામાન્ય પ્રજાને આવી ખોટી હેરાનગતિ કરવી કેટલા અંશે યોગ્ય છે?

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud