• આજે હિતેશ મકવાણાની ગાંધીનગરના નવા મેયર અને પ્રેમલસિંહ ગોલની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરાઈ
  • ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે 44 પૈકી 41 બેઠક પર જ્વલંત જીત મેળવી હતી
  • આજે કોર્પોરેશનની સામાન્ય સભાની બેઠકમાં શહેરના પાંચમાં મેયરની વરણી કરાઈ છે
  • બુધવારે મોડી સાંજે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મનપામાં મેયરના નામ અંગેની ચર્ચા થઈ હતી

WatchGujarat. ગાંધીનગરમાં વિજય બાદ ભાજપ દ્વારા આજે નવા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આજે યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય સભામાં શહેરના પાંચમાં મેયર તરીકે કોર્પોરેટર હિતેશ મકવાણાની વરણી કરાઈ છે. ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે પ્રેમલસિંહ ગોલની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે ગાંધીનગરના નવા મેયરના નામને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કોર્પોરેશનની મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે એસસી માટે અનામત હોવાથી વોર્ડ-4ના ભરતભાઈ શંકરભાઇ દિક્ષિત અને વોર્ડ નં-8ના હિતેશકુમાર પુનમભાઈ મકવાણા રેસમાં હતા. જોકે બીજા અઢી વર્ષ માટે મેયર પદ સ્ત્રી માટે અનામત હોવાથી પ્રથમવાર કોઈ પુરૂષને તક અપાઇ છે.

પ્રથમવાર ભાજપનો ગાંધીનગરમાં ભારે બહુમતી સાથે વિજય

ગુજરાતના પાટનગરમાં તાજેતરમાં જ મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપે પ્રથમવાર બહુમતી મેળવી છે. ભાજપને 44 બેઠકમાંથી 41 બેઠક પર બહમતી સાથે જીત મળી છે. જ્યારે બે બેઠક પર કોંગ્રેસે અને એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ દ્વારા અન્ય પાર્ટીનો ટેકો મેળવીને ગાંધીનગર મનપામાં સરકાર બનાવવામાં આવી છે. પરંતુ પહેલી વખત ભાજપને આટલી મોટી બહુમતી સાથે જીત મળી છે. જેને જોતા લાગી રહ્યું છે કે ગાંધીનગરની જનતાની ભાજપ પ્રત્યે અપેક્ષાઓ અને વિશ્વાસ પણ વધુ છે. લોકોને અપેક્ષા છેકે ભાજપની સત્તામાં તેમની પાણી, રસ્તા, વગેરે જેવી પ્રાથમિક જરૂરીયાતો નિર્વિઘ્ન સંતોષવામાં આવશે. પરંતુ ભાજપ લોકોની અપેક્ષા પર ખરી ઉતરે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.

શું છે મેયર હિતેશ મકવાણાનું પોલીટીકલ બેકગ્રાઉન્ડ

ગાંધીનગરના નવા મેયર તરીકે હિતેશ મકવાણાના નામ પર મહોર લાગી છે. વોર્ડ નં. 8માંથી વિજયી બનેલા હિતેશ મકવાણાનું પોલીટીકલ બેકગ્રાઉન્ડ મજબુત છે. તેઓ પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાના પુત્ર છે. તેમજ ગુજરાતી અભિનેત્રી રોમા માણેકના પતિ છે. હિતેશ મકવાણા રાજકીય રીતે વધુ મજબુત હતા અને તેથી જ દાવેદાર પણ માનવામાં આવી રહ્યા હતા. અનેક ચર્ચા વિચારણા બાદ આખરે તેમને મેયર પદ સોંપવામાં આવ્યું છે. આજે સવારે મળેલી સામાન્ય સભામાં છેલ્લા 15 દિવસથી ચાલતી કે ‘મેયર પદનો તાજ કોને શીરે’ તેવી ચર્ચાઓનો અંત આવ્યો છે. મહત્વનું છે કે સવારે ભાજપ શહેર પ્રમુખ રૂચિર ભટ્ટે હિતેશ મકવાણાને મેયર તરીકે જાહેર કરવાનો મેન્ડેટ આપ્યો હતો. જોકે ગાંધીનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણીની પ્રક્રિયા ચાલુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud