• શિડ્યુલ વનમાં આવતા પ્રાણી મગરની સારવારમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી
  • ગરૂડેશ્વરના ભૂમલિયા નજીક ગાડકોઈ ગામે આવેલા વન વિભાગના મગર રેસ્ક્યુ સેન્ટરમાં મગરોનું મોત થયું હોવાનો સ્થાનિકોનો દાવો
  • સેન્ટર ખાતે સારવાર માટે આવેલા કેટલાક મગર મોતને ભેટ્યા, તેમને ત્યાં જ સળગાવ્યા હોવાનો સ્થાનિકોનો દાવો
  • પાણી અને ખોરાકની અપુરતી સુવિધાન કારણે મગરોનું મોત થયું હોવાનો ખુલાસો

WatchGujarat. રહેણાંક વિસ્તારમાં ઘણી વાર મગરો આવી ચડતા હોય છે. જેમનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરીને યોગ્ય સ્થળે રાખવામાં આવે છે. આ રેસ્ક્યુ કરાયેલા મગરો માટે ગરૂડેશ્વર તાલુકાના કેવડિયા રેન્જના ભૂમલિયા ગામે એક મગર રેસ્ક્યુ સેન્ટર ખોલવામાં આવ્યું હતું. જ્યાં સારવાર અર્થે મગરોને લાવવામાં આવે છે. પરંતુ આ રેસ્ક્યુ સેન્ટર જ હવે મગરોના મોતનું કારણ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વિસ્તારના સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ સેન્ટરમાં સારવાર માટે લાવવામાં આવેલા કેટલાક મગર પાણી અને ખોરાકની અપુરતી સુવિધાન કારણે મોતને ભેટ્યા છે. ઉપરાંત હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલા અડધો ડઝન મગર પાણી વગર તરફડીયા મારી મોતના વાટે જીવી રહ્યા છે.

શિડ્યુલ વનમાં આવતા પ્રાણી મગરની વન વિભાગના પ્રતાપે દયનિય હાલત

ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા રેન્જ હેઠળ ભૂમલિયા ગામ નજીક નર્મદાની મેઈન કેનાસ સામે જીરો પોઈન્ટ સામે ગાડકોઈ ગામની સીમ આવેલી છે. આ ગામની સીમમાં મગરોની સારવાર માટે મગર રેસ્ક્યુ સેન્ટર (ઓટીડી) બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્ર ખાતે ઈજાગ્રસ્ત મગરોને સારવાર માટે લાવવામાં આવે છે. મગરોને રાખવા માટે તળાવ બનાવવામાં આવ્યા છે. પરંતુ આ તળાવમાં પાણી જ નથી. જેથી અહિંયા લાવવામાં આવેલા મગરો પાણી માટે તરફડીયા મારી રહ્યા છે. સ્થાનિકોએ મીડિયા સાથએની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રેસ્ક્યુ સેન્ટર ખાતે મગરની દેખરેખ રાખનાર કોઈ કર્મચારી છે જ નહીં. અહિંયા બનાવવામાં આવેલા તળાવમાં ચકલી પણ પી શકે તેટલું પાણી નથી અને તળાવો સુકા ભઠ્ઠ થઈ ગયા છે. એટલું જ નહીં પોન્ડમાં ઉગી નીકળેલું ઘાસ પણ સુકાઈ ગયું છે.

મળતી વિગતો અનુસાર હાલમાં આ સેન્ટર ખાતે એક 10 ફૂટનો અને બીજા પાંચ-છ ફૂટના પાંચ મળી કુલ 6 મગરને રાખવામાં આવ્યા છે. જોકે તેમની દેખરેખ કરનાર કોઈ નથી. આ મગરોને વિહાર કરવા માટે પાણી નહીં હોવાના કારણે તેઓ સફેદ થઈ ગયા છે. ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના રાજ ભાવસારે મીડિયા સાથે આ મામલે વાત કરતાં જણાવ્યું હતું કે, મગર મોટાભાગનો સમય પાણીમાં રહે છે. અને પોતાના શરીરનું તાપમાન જાળવવા માટે તે પાણીની બહાર આવે છે. તેને એક સમયે ખોરાક ના મળે તો તે જીવી શકે છે, પરંતુ પાણી ના મળે તો તે સફેદ થઈ જાય છે અને મોતને ભેટે છે. મહત્વનું છે કે સ્થાનિકોએ દાવો કર્યો છે કે અહીં લાવવામાં આવેલા કેટલાક મગરો મોતને પણ ભેટ્યા છે. અને તેમને ત્યાં જ સળગાવવામાં આવ્યા હોવાના અવશેષો પણ મળી આવ્યા છે.

આ વિસ્તારના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, આ રેસ્ક્યુ સેન્ટરમાં મગરોને સારવાર માટે લાવવામાં તો આવે છે પરંતુ તેની કોઈ સાર સંભાળ રાખાતી નથી. મગરોની સંભાળ માટે સરકાર કરોડો ફાળવે છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો હોય તેમ લાગતું નથી. જો તમે આવા જીવની દેખરેખ રાખી શકતા નથી તો તેમને આવા અંતરિયાળ વિસ્તારમાં લાવવામાં શા માટે આવે છે. કૃત્રિમ તળાવમાં પાણી ભરવામાં ના આવતા મગરો તરફડીયા મારે છે. બેત્રણ દિવસમાં મગરોનું આ સ્થળેથી સ્થળાંતર કરવામાં નહીં આવે તો તે મોતને ભેટશે. આ દ્રશ્ય જોઈ પ્રાણીપ્રેમીઓ વન વિભાગના બેજવાબદાર અધિકારી સામે ઉગ્ર આંદોલન છેડી યોગ્ય પગલાં ભરવાની માંગ કરે તો નવાઈ નહીં.

આ પરિસ્થિતીને જોતા સવાલ થાય છે કે શિડ્યુલ વનના આ પ્રાણી માટે તંત્ર દ્વારા આવી ગંભીર બેદરકારી કેમ રાખવામાં આવે છે. જે મગરોને સારવાર અર્થે સેન્ટરમાં લાવવામાં આવે છે તેની સારવાર તો દૂર પરંતુ તેમને જીવવા પૂરતી પણ સુવિધા આપવામાં આવતી નથી. આ મામલે તંત્ર કેમ આટલી ગંભીર બેદરકારી દાખવી રહ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. પરંતુ જો આમ તંત્રએ બેદરકારી દાખવી તો આ મગરોનું સારવાર સેન્ટર મૃત્યુ સેન્ટર બનીને રહી જશે.

Facebook Comments Box

Videos

Our Partners