• ગોંડલનાં નવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા ચાલી રહી છે. અને બીજીતરફ કપાસ ભરેલું લોડર બરાબર આ જ સમયે ત્યાંથી પસાર થાય છે
  • લોકોએ ડ્રાઈવરને બ્રેક મારવા કહ્યું હતું. પણ આ વાત ડ્રાઈવર સમજે તે પહેલાં લોડર મહિલા ઉપર ફરી વળ્યું
  • પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું

WatchGujarat. ગોંડલનાં નવા માર્કેટ યાર્ડમાં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં લોકો બ્રેક મારવાનું કહેતા રહ્યા પણ ડ્રાઇવર બ્રેક મારે તે પહેલાં કપાસ ભરેલું લોડર એક મહિલા પર ફરી વળ્યું હતું. જેને પગલે ગંભીર ઇજા થતાં આ મહિલાનું સ્થળ પર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે ઉશ્કેરાયેલા લોકોએ ડ્રાઈવરને માર મારી પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થતા તેનો વિડીયો પણ સામે આવ્યો છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગોંડલનાં નવા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા ચાલી રહી છે. અને બીજીતરફ કપાસ ભરેલું લોડર બરાબર આ જ સમયે ત્યાંથી પસાર થાય છે. સ્થાનિકોનાં કહ્યા અનુસાર લોકોએ ડ્રાઈવરને બ્રેક મારવા કહ્યું હતું. પણ આ વાત ડ્રાઈવર સમજે તે પહેલાં લોડર મહિલા ઉપર ફરી વળતું સ્પષ્ટ જોઈ શકાય છે. મહિલાએ પણ બૂમ પાડી હોવા છતાં લોડરના ચાલકનું ધ્યાન પડ્યું નહોતું.

આ અકસ્માત થયા બાદ લોડર ચાલક ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરે છે. જો કે ત્યાં હાજર લોકો તેને પકડી પાડે છે. અને માર માર્યા બાદ પોલીસનાં હવાલે કરે છે. આ અંગે ગોંડલ પોલીસને જાણ થતા તરત જ કાફલો દોડી ગયો હતો. અને જરૂરી પંચનામા સહિતની કાર્યવાહી કરી હતી. પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ ગોંડલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ મામલે લોડર ચાલકનો વાંક હતો કે મહિલાનું ધ્યાન નહોતું તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે વિડીયો જોતા મહિલાનું ધ્યાન નહોતું તે સ્પષ્ટ છે સાથે-સાથે લોડર ચાલકની ઘોર બેદરકારી પણ નજરે પડી રહી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud