• ગુજરાતમાં વધુ નવી 11 ખાનગી યુનિવર્સિટીને રાજ્ય સરકારે મંજૂરી આપી
 • પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ 2009 અંતર્ગત 11 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી અપાઈ
 • વિધાનસભા સત્રમાં ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009 સુધારા વિધેયક પસાર કરવામાં આવશે
 • આ નવી યુનિ.ઓ સાથે હવે ગુજરાતમાં કુલ 94 યુનિવર્સિટીઓ થઈ જશે

WatchGujarat. ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ રાજ્ય સરકાર દ્વારા એક સાથે નવી 11 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા 2009માં વિધાનસભામાં પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ પસાર કર્યા બાદ સમયાંતરે સુધારા વિધેયકો સાથે રાજ્યમાં નવી નવી ખાનગી યુનિવર્સિટીઓને મંજૂરી આપવામાં આવે છે. ત્યારે વિધાનસભા સત્રમાં વિધેયક પસાર કર્યા બાદ વિધિવત રીતે આ યુનિ.ઓને મંજૂરી મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વધુ નવી 11 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં અત્યાર સુધી સરકારી યુનિવર્સિટીઓ, ફિલ્ડ યુનિવર્સિટીઓ ઉપરાંત ખાનગી-ડિમ્ડ યુનિવર્સિટીઓ સાથે 83 જેટલી યુનિવર્સિટીઓ છે. ત્યારે આ નવી 11 ખાનગી યુનિ.ઓને મંજૂરી મળતા હવે રાજ્યમાં કુલ યુનિ.ઓની સંખ્યા 94 થઈ જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવી યુનિ.ઓ માટે રાજ્યની 19 જેટલી સંસ્થાઓ દરખાસ્તો કરી હતી. જેમાંથી 11ને મંજૂરી મળી છે. જોકે સરકારી યુનિ.ઓની સંખ્યા કરતા ખાનગી યુનિ.ઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.

આ ખાનગી યુનિ.ને મંજૂરી

 • ગાંધીનગર યુનિ. – ગાંધીનગર
 • સુભાષ યુનિ. – જુનાગઢ
 • ટ્રાન્સસ્ટેડિયા યુનિ. – અમદાવાદ
 • એમ.કે.યુનિ. – સુરત
 • વિદ્યાદીપ યુનિ. – સુરત
 • સ્કિપ્સ યુનિ. – અમદાવાદ
 • મગનભાઈ અદેનવાલા મહાગુજરાત યુનિ. – નડિયાદ
 • સ્વામિનારાયણ યુનિ. – અમદાવાદ
 • અદાણી યુનિવર્સિટી – ગાંધીનગર
 • લોકભારતી યુનિ. – ભાવનગર
 • નોબેલ યુનિવર્સિટી – જુનાગઢ

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થયા બાદ યુનિ.ઓનો વ્યાપ પણ વધારવામાં આવી રહ્યો છે અને આગામી સમયમાં સરકાર રાજ્યમાં કુલ યુનિ.ઓની સંખ્યામાં 100ને પાર લઈ જવા માંગે છે. જેથી કરીને વિધાનસભા સત્રમાં ખાનગી યુનિવર્સિટી એક્ટ 2009 સુધારા વિધેયક પસાર કરવામાં આવશે અને જે સાથે વિધિવત રીતે 11 યુનિ.ઓને મંજૂરી મળશે.

મહત્વનું છે કે ભારતના અન્ય ઘણા રાજ્યોમાં 70થી વધુ યુનિવર્સિટીઓ આવેલી છે. જેમાં સૌથી વધુ 85 યુનિવર્સિટી રાજસ્થાનમાં આવેલી છે. ત્યારે ગુજરાતમાં નવિ યુનિવર્સિટીઓને મંજૂરી મળતા યુનિ.ની સંખ્યા 94 એ પહોંચતા ગુજરાત સૌથી વધુ યુનિવર્સિટીઓ ધરાવતુ રાજ્ય બન્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners