• એસટી નિગમે આ વર્ષે પણ તહેવારને ધ્યાને રાખીને 1200 વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું હતું
  • સુરતમાં 1200 જ્યારે અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવવામાં આવી હતી.
  • 10,220 ટ્રીપમાં 4,97,321 મુસાફરોએ મુસાફરી કરતા એસટીને 6.77 કરોડની આવક થઈ
  • હજુ 9થી 14 નવેમ્બર પણ વધુ એકસ્ટ્રા વાહનો દોડાવાનું નક્કી કર્યું છે.

WatchGujarat. આ દિવાળી GSRTC માટે ખૂબ સારી રહી. છેલ્લા બે વર્ષથી કોરોનાથી કંટાળેલા લોકો આ દિવાળી ફરવા નિકળી ગયા હતા. જ્યાં જુઓ ત્યાં ભીડ જોવા મળતી હતી. હોટલો હાઉસફુલ, મંદિરમાં લાઇનો, પ્રવાસન સ્થળોએ બુકીંગ એડવાન્સમાં થઇ ગયા હતા. તેવામાં સરકારે પહેલેથી જ એકસ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરી લીધુ હતુ. અને તેનો ફાયદો પણ થયો અને GSRTCની દિવાળી સુધરી ગઇ. કારણ કે માત્ર 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધીમાં જ વધારાની બસોથી ST વિભાગને અધધ 6.77 કરોડની આવક થઈ છે.

દિવાળીનાં તહેવારમાં મુસાફરોને તકલીફ ન પડે માટે ગુજરાત વાહન વ્યવહાર વિભાગે વધારાની બસો દોડાવાનું નક્કી કર્યું હતુ. એસટી નિગમે આ વર્ષે પણ તહેવારને ધ્યાને રાખીને 1200 વધુ બસો દોડાવવાનું નક્કી કર્યું હતું. આ થકી એસટી વિભાગને મોટી આવક થઇ છે. આંકડાઓની વાત કરીએ તો…

  • 6 નવેમ્બરે 89.376 લોકોએ ઓનલાઇન બુકીંગ કરતા 1.68 કરોડની આવક થઈ.
  • 7 નવેમ્બરે 90,526 મુસાફરોએ ઓનલાઇન બુકીંગ કરતા એસટી વિભાગને 1.69 કરોડ આવક થઈ
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ફાળવેલ એક્સ્ટ્રા 60 વાહનોની 1515 ટ્રીપ થકી 66,691 મુસાફરોએ મુસાફરી કરી.જેના થકી એસટીને 13.34 લાખ આવક થઈ.
  • 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી એસટીના એક્સ્ટ્રા સંચાલનમાં 10,220 ટ્રીપમાં 4,97,321 મુસાફરોએ મુસાફરી કરતા એસટીને 6.77 કરોડની આવક થઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતા સૌથી વધુ સુરતમાં બસો દોડાવામાં આવી હતી. સુરતમાં 1200 જ્યારે અમદાવાદ વિભાગની દૈનિક 150 બસો વધારાની દોડાવવામાં આવી. જેની શરૂઆત 29 ઓક્ટોબરથી કરવામાં આવી હતી. એસટી વિભાગના જણાવ્યા પ્રમાણે ખાનગી બસ સંચાલકો તહેવારોના સમયમાં ભાડા ડબલ કરી દેતા હોય છે. તેવા સમયે પ્રવાસીઓને અગવડતા ન પડે તે માટે તમામ વિભાગોને વધારાની બસો સિવાય જરૂર પડે પ્રવાસીઓની માંગને જોતા બસની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા માટે સૂચના આપવામાં આવી હતી. તહેવારો ભલે પૂરા થઇ ગયા પરંતુ હજુ પણ મુસાફરો પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે. જેને ધ્યાને લઇને 9થી 14 નવેમ્બર પણ વધુ એકસ્ટ્રા વાહનો દોડાવાનું નક્કી કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud