• જમીન કેસમાં આમોદ શહેર ભાજપ હોદ્દેદાર પાસેથી ₹10 હજારની લાંચ માંગતા ગોઠવાયેલ છટકું
  • વડોદરા ACB ની ટ્રેપથી જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ

ભરૂચ. જીલ્લાના આમોદના મામલતદાર અને નાયબ મામલતદાર ૧૦ હજારની લાંચ લેતા એસીબીના સકંજામા રંગેહાથ ટ્રેપ થતા જિલ્લાના સરકારી બાબુઓમાં સોપો પડી ગયો છે. આમોદ શહેર ભાજપના હોદ્દેદાર પાસે જમીનના કામે માંગેલી લાંચમાં વડોદરા ACB ની ટ્રેપની ભણક પડી જતા મામલતદાર પોતાના ટેબલ પર જ મોબાઈલ મૂકી નાસી છૂટ્યા હતા. જ્યારે નાયબ મામલતદારને લાંચની રકમ સાથે દબોચી લેવાયા હતા.

રેઇડ દરમિયાન ફરાર થયેલા મામલતદાર જે.ડી પટેલ

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મામલતદાર અને નાયબ મામલતદારે ફરિયાદીના કામ પતાવવા માટે રૂપિયા ૧૦ હજારની લાંચની માંગણી કરતા ફરિયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા એસીબીની ટીમે બુધવારે છટકું ગોઠવ્યુ હતું. લાંચીયા મામલતદાર અને નાયબ મામલતદારને ઝડપી પાડવામાં આવતા મામલતદાર ભાગી જવામાં સફળ રહ્યા હતા જયારે નાયબ મામલતદાર એસીબીના સકંજામા આવી ગયા હતા.

આમોદ તાલુકા મામલતદાર કચેરીમાં ફરિયાદી કમલેશ પટેલ પોતાનું કામ કરાવા માટે ગયા હતા. દરમ્યાન કામની પતાવટ સામે મામલતદાર અને નાયબ મામલતદારે વહીવટની વાત કરી હતી અને ૧૦ હજાર રૂપિયા આપવાનું નક્કી થતા જ ફરિયાદી એ વડોદરા એસીબીમાં ફરીયાદ કરતા એસીબીની ટીમે લાંચીયા અધિકારીઓને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું.

એસીબીના હાથે ઝડપાયેલા નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા

ફરિયાદી લાંચની રકમ આપવા જતા નાયબ મામલતદાર ચિરાગ ડોડીયા ઝડપાઈ ગયા હતા. જયારે એસીબીની રેડ હોવાની ગંધ મામલતદાર ડૉ.જે. ડી પટેલને થતા તેઓ પોતાના ટેબલ પર જ મોબાઈલ મૂકી ભાગી ગયા હતા. જોકે એસીબીની ટીમે ફરાર મામલતદારની ઘરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે ઝડપાયેલા નાયબ મામલતદારની કડક પૂછપરછ કરી રિમાન્ડની તજવીજ હાથધરી છે. સાથે જ મામલતદારનો મોબાઈલ કબજે લઈ તેની વિગતો તપાસવાની પણ શરૂ કરી છે.

મામલતદાર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ જ લાંચના પ્રકરણમાં આરોપી બની જતા અન્ય કર્મચારીઓમાં પણ સોપો પડી ગયો છે. ફરિયાદી કમલેશ ભાઈ આમોદ શહેર ભાજપ ના હોદ્દેદાર છે જેઓનું જમીનનું કામ છેલ્લા કેટલાય સમયથી અટવાયેલું હતું. જે ઉકેલી આપવા મામલતદાર ડો. જે.ડી. પટેલ અને નાયબ મામલતદાર ચિરાગ ડોડીયાએ લાંચ માંગી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud