• વાવાઝોડાનાં કારણે  3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
  • 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો
  • 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી.

WatchGujarat. ગઈકાલ રાતથી તૌકતે વાવાઝોડું સૌરાષ્ટ્માં ત્રાટક્યું હતું. જેમાં સદનસીબે મોટી જાનહાની થઈ ન હતી. પરંતુ ઠેર-ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થતા ઉર્જા વિભાગને ભારે નુકસાન થયું છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે વાવાઝોડાથી થયેલા નુકસાનની જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યા મુજબ રાજ્યમાં વાવાઝોડાથી ઊર્જા વિભાગને મોટું નુકશાન થયું છે. અને ગુજરાતની 2.23લાખ કિમી પૈકી 9,000 કિમીની લાઈનમાં ભાંગતુટ થતા મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

સૌરભ પટેલનાં જણાવ્યા મુજબ, વાવાઝોડાનાં કારણે  3748 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. આ પૈકી 1115 ગામડામાં ફરી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. બાકીના ગામોમાં કામગીરી ચાલી રહી છે. તેમજ 122 કોવિડ હોસ્પિટલમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં 66 જેટલી હોસ્પિટલમાં હજી પણ વીજ પુરવઠો કાર્યરત થયો નથી. ગોંડલના 16 સબસ્ટેશન પૈકી 8 સબ સ્ટેશન શરૂ કરી દેવામાં આવ્યા છે. બાકીના 8 સબસ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. હાલ ગુજરાતમાં 123 સબ સ્ટેશન બંધ છે.

આ ઉપરાંત મહુવામાં ખૂબ મોટું નુકસાન થયું છે. જ્યાં કચ્છ, જામનગર અને મોરબીના વીજ કર્મીઓની મદદ લેવામાં આવી રહી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની ફોર્સને પણ ગીર સોમનાથ, મહુવા સહિતના વિસ્તારમાં કામે લગાડવામાં આવી છે. વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાં પણ અસર થતા રાજ્યની 122 કોવિડ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જે પૈકી 66 કોવિડ હોસ્પિટલમાં સબ સ્ટેશન શરૂ થયા બાદ વીજ પુરવઠો પૂર્વવત કરી શકાશે. આ વાવાઝોડાને કારણે PGVCLને થયેલા નુકસાનનો આંકડો કરોડોમાં હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે તૌકતે વાવાઝોડાને લઈને ખેડૂતોનો ઉભો પાક બળી ચુક્યો છે. તેમજ મોટી માત્રામાં તૈયાર પાક પણ બળી જતા જગતના તાતને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. જૂનાગઢ-સોમનાથ સહિતના વિસ્તારોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને કરોડોનું નુકસાન જવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ ખેડૂતોને થયેલા નુકસાનની વાત કરવા પણ કોઈ તૈયાર નથી. ત્યારે ઉર્જામંત્રી નુકસાની અંગેની આ પ્રેસ કોન્ફરન્સ કરીને શુ સાબિત કરવા માંગે છે તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud