• ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા 6 ડેમોમાં પણ વરસાદના અભાવે પાણીનો ખૂટતો જથ્થો
  • 35 દિવસથી ધમધમતા સરદાર સરોવરના RBPH ના ટર્બાઇનો ઉપર લગાવાઈ બ્રેક
  • ઉપરવાસમાંથી હાલ ડેમમાં આવક માત્ર 670 ક્યુસેક સામે 7000 ક્યુસેક જેટલો પાણીનો ખર્ચ
  • કેનાલહેડના માત્ર 2 ટર્બાઇન ધમધમાવી રાજ્યમાં પીવા અને સિંચાઈ માટે પુરા પડાતા નર્મદાના નીર
  • નર્મદા કંટ્રોલ ઓથોરિટી NCT એ વીજ ઉત્પાદન બંધ કરી પાણીનો સંગ્રહ કરવા નર્મદા નિગમને સૂચના આપી

WatchGujarat. ગુજરાત સહિત પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ ચોમાસુ લંબાઈ જતા હવે પાણી માટે જળાશયો પણ તરસી રહ્યાં છે. MP ના 6 ડેમમાં પાણીની આવક ન થતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી પણ ઘટી રહી હોય NCT ની સૂચનાથી નર્મદા ડેમના RBPH જળવિધુત મથક બંધ કરી દેવાયું છે.

ચોમાસું ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અદ્રશ્ય થઈ જતા હવે ભર ચોમાસે પાણી માટે જળાશયો જ તરસ્યા થઈ રહ્યાં છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી ન હોય સામે જાવક વધુ હોય સપાટી ઘટીને 113.12 મીટરે પોહચી ગઈ છે.

ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં પણ વરસાદ ખેંચાઈ જતા તેમજ કેચમેન્ટ વિસ્તારમાં પણ મેઘમહેર ન થતા નર્મદા કંટ્રોલ ઓથોરિટી NCT એ નર્મદા નિગમને વીજ ઉત્પાદન બંધ કરી પાણીનો સંગ્રહ કરવા સૂચના આપી છે. નિગમ દ્વારા 1200 મેગાવોટની ક્ષમતા ધરાવતા RBPH પાવર હાઉસના 6 ટર્બાઇન ઉપર બ્રેક લગાવી દેવાઈ છે. ગત 1 જૂનથી રિવરબેડ પાવરહાઉસ કાર્યરત કરવામાં આવ્યું હતું.

MP માં નર્મદા નદી ઉપર આવેલા તવા, મોરતક્કા, ઇન્દિરા સાગર, ઓમકારેશ્વર, બરગી, હોસંગાબાદ 6 ડેમમાં પણ વરસાદના અભાવે જળસ્તર ઘટી રહ્યાં છે. ઉપરવાસમાંથી હાલ નર્મદા ડેમમાં માત્ર 670 ક્યુસેક જ પાણીની આવક થઈ રહી છે. સામે કેનાલમાં 6000 ક્યુસેક અને ગોડબોલે ગેટમાંથી નદીમાં 615 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય જાવક વધુ હોવાથી હજી પણ ડેમની સપાટીમાં એકધારો વધારો જારી છે.

જુલાઈનું એક સપ્તાહ ગુજરાત અને મધ્યપ્રદેશમાં પણ વરસાદ વગર કોરૂ પસાર થઈ ગયું છે બીજા સપ્તાહથી ચોમાસુ ફરી જમાવટ કરી MP ના 6 ડેમમાં નવા નીરની આવક થતા નર્મદા ડેમમાં પણ જળસ્તર વધે તેવી આશા હાલ નિગમ પણ રાખી રહ્યું છે. બીજી તરફ વાવણી કરી બેસેલા ખેડૂતો સાથે હવે ગુજરાત અને મધ્યપ્રદેશની સરકાર સાથે ડેમ સત્તાધીશો પણ આભ તરફ મીટ માંડી મેઘરાજા વરસે તેની વાટ જોઈ રહ્યાં છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud