• બંધમાં સંગ્રહીત જથ્થો આગામી દિવસોમાં રાજ્યના ખેડૂતોને પાણીની કમી નહીં પડવા દે
  • 30 જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કાવાર સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવશે, હજી 20000 ક્યુસેક સુધી મેઈન કેનાલમાં પાણી છોડાશે

WatchGujarat. આકરી ગરમીમાં ઉનાળુ પાકને જીવંતદાન આપવા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમમાંથી અખાત્રીજે જ મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યની જીવાદોરી નર્મદા ડેમમાં હાલ 1800 મિલિયન ક્યુબિક મીટર પાણીનો લાઈવ જથ્થો સંગ્રહિત છે. રાજ્ય સરકારે ખેડૂતોને પાણી આપવાની જાહેરાત કરતા નર્મદા કેનાલના ઝીરો પોઈન્ટથી કચ્છ સુધી પાણી પહોંચાડવામાં આવશે. ગુરૂવારે 8800 ક્યુસેક પાણી છોડ્યું હતું. શુક્રવારે બીજા દિવસે તેમાં વધારો કરી અખાત્રીજથી 15 હજાર ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું છે.

આ વર્ષે નર્મદા ડેમમાં ભરપૂર માત્રામાં પાણીનો જથ્થો સંગ્રહિત છે. જેના કારણે સરકારે નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરતા કેવડિયાથી મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટના 5 ગેટમાંથી નર્મદાનું 15000 ક્યુસેક પાણી છોડાતા ભર ઉનાળામાં નર્મદા નહેરમાં ભરપૂર જળ ઉછાળા મારતું વહી રહ્યું છે. મુખ્ય કેનાલ ઝીરો પોઈન્ટ એટલે કે નર્મદા ડેમનું સ્ટોરેજ પાણી જેને કેવડિયા સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વહન કરવા માટેનો મુખ્ય દ્વાર કહી શકાય.

સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ ઉપરવાસમાંથી 8000 ક્યુસેક પાણીની આવક થાય છે. જ્યારે ડેમમાંથી ગુજરાતના ખેડૂતો માટે મુખ્ય કેનાલમાંથી અગાઉ 8 હજાર ક્યુસેક પાણી છોડતું હતું જે ડબલ કરીને હાલ 15,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેમાં હજુ વધારો કરી 20000 ક્યુસેક કરાઈ તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. ડાઉનસ્ટ્રીમમાં નર્મદા નદીના મુખ્ય વહેણને જીવંત રાખવા માટે નદીમાં 627 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકાર નર્મદા કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામ નેટવર્ક, ખાલીકટ કેનાલ અને સૌની યોજના નેટવર્કના માધ્યમથી અખાત્રીજથી 30 જૂન સુધી ગુજરાતના ખેડૂતોને તબક્કા વાર સિંચાઈ માટે પાણી પૂરું પાડશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud