• ઓફલાઇન શિક્ષણના પ્રથમ દિવસે શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી
  • અમદાવાદમાં ઓફલાઈન શિક્ષણ માટે શાળાઓમાં માત્ર 676 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યાં
  • રાજ્યમાં પહેલા દિવસે ધોરણ 12ના માત્ર 39 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં

WatchGujarat. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મંજૂરી મળ્યા બાદ રાજ્યમાં ધોરણ 12 ની શાળાઓ તેમજ કોલેજમાં 15 જુલાઈથી ઓફલાઇન શિક્ષણ શરુ થઇ ગયુ છે. ત્યારે ઓફલાઈન શિક્ષણના પ્રથમ દિવસે જ શાળા-કોલેજમાં 50 ટકા કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં સંક્રમણના કેસ ઓછા થતાં સરકાર દ્વારા ધોરણ 12 અને યુજી-પોસ્ટ ગ્રેજુએશન કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. જે માટે શિક્ષણ વિભાગ દ્વારા કોરોના ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ શાળામાં 50 ટકા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ કાર્ય શરૂ કરી શકાશે. પરંતુ ઓફલાઈન શિક્ષણના પહેલા જ દિવસે ધોરણ 12માં 50 ટકાની સામે માત્ર 39 ટકા હાજરી નોંધાઇ હતી. જ્યારે કેટલીક શાળાઓ દ્વારા હાજરીનો ડેટા શિક્ષણ વિભાગમાં અપાયો નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા બીયુ પરમિશન ન મળી હોવાથી લગભગ 30 ટકા શાળઓ બંધ રહી હતી. અમદાવાદમાં 173 શાળઓમાંથી માત્ર 28 શાળાઓએ હાજરીનો ડેટા શિક્ષણ વિભાગને આપ્યો હતો. જેમાં કુલ 1385 વિદ્યાર્થીઓમાંથી માત્ર 676 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. જ્યારે રાજકોટમાં ઓફલાઈન શિક્ષણના પ્રથમ દિવસે સૌથી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રાજકોટની મ્યુનિસિપલ શાળાઓમાં 1601 માંથી 1002 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ સાથે રાજકોટ જિલ્લામાં કુલ 62.59 ટકા હાજરી નોંધાઇ હતી.

કોરોના મહામારીના કારણે લાંબા સમય બાદ શાળા-કોલેજમાં ઓફલાઇન શિક્ષણ શરુ થતા વિદ્યાર્થીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ દાહોદ જિલ્લામાં શાળાઓમાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. જેમાં 804 માંથી કુલ 144 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા. દાહોદમાં 50% વિદ્યાર્થીઓ સામે 17.91 ટકા હાજરી નોંધાઇ હતી. ઉલ્લેખનીય છે કે 8074 શાળાઓમાંથી 1048 શાળાઓએ જ હાજરીની નોંધ કરી હતી. જેમાં કુલ 59591 વિદ્યાર્થીમાંથી 23283 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud