• કોરોના સમયે પણ લોકડાઉનમાં આર્થિક સ્થિતિ બદતર ન હતી, એટલી હાલ બની
  • ભણતર, રાશન-પાણી, ગેસ-ઇંધણ, અનાજ-શાકભાજી, દુધના ભાવોને લઈ  સામાન્ય પરિવારમાં બજેટમાં ₹3 થી 4 હજારનો વધારો
  • વધતા ભાવો સામે આવક વધવાની શકયતા અલ્પ લઈને હવે કરકસર અને કાપ જ મધ્યમ વર્ગ માટે કિમિયો

WatchGujarat. કોરોના કાળમાં વેપાર-ધંધા બંધ થવા છતાં આર્થિક સંકડામણ નહોતી વર્તાતી એટલી હાલ તમામ ચીજવસ્તુઓના ભાવોમાં ભડકાને લઈ મધ્યમ વર્ગને અસર કરી રહી છે. દૂધ-શાક, અનાજ-પાણી, તેલ, ગેસ, ઇંધણમાં મોંઘવારીએ માઝા મુક્તા ગૃહિણીઓમાં કકળાટ શરૂ થઈ ગયો છે. બધાના જ ભાવો વધ્યા પણ પતિનો પગાર ન વધ્યો આ શબ્દો પત્નીઓમાં કોમન બની રહ્યાં છે.

વાત સાચી પણ છે, જે જેતગતિએ ભાવો અને મોંઘવારી વધે છે, એટલી જ ઝડપે લોકોના પગાર વધતા નથી. પગાર વધારો વર્ષમાં એક વાર થાય છે એ પણ સામાન્ય નોકરિયાત માટે નહીં બરાબર હોય છે. જ્યારે મોંઘવારી અને ભાવો તો રોજે રોજ વધે છે. દૂધ, શાકભાજી પેટ્રોલના સતત વધતા જતા ભાવના કારણે ગૃહિણીઓ પરેશાન થઈ રહી છે. મધ્‍યમ વર્ગના પરિવારની સ્‍થિતિ ન સહેવાય એવી બની રહી છે.

માર્ચ મહિનામાં આવેલા નેશનલ સ્‍ટેટેસ્‍ટિક ઓફિસના આંકડાઓ મુજબ ફેબ્રુઆરીમાં જ ખાદ્ય તેલ જેવા ઉત્‍પાદનોની ખરીદીથી સામાન્‍ય જનતાના બજેટ પર સૌથી મોટી અસર પડી છે. ગત વર્ષની સરખામણીએ ખાદ્ય તેલની મોંઘવારીનો દર 16.44 ટકા રહ્યો છે. સાથે જ શાકભાજી, દૂધ, કઠોળ, દાળના ભાવમાં પણ વધારો થયો છે. મોંઘવારી વધી છે પરંતુ મધ્યમ અને સામાન્ય વર્ગમાં પગાર જ્યાં 8 થી 15 હજાર વચ્ચે તેવા અસંખ્ય પરિવારો માટે ઘર ચલાવવું મુશ્‍કેલ બન્‍યું છે.

મોંઘવારીમાં દરેક વસ્‍તુના વધતા ભાવ એક તરફ લોકોની ચિંતાનું કારણ બની રહ્યાં છે, ત્‍યારે મધ્‍યમવર્ગીય પરિવારની સ્‍થિતિ તો જાણે વેઠાય ન રહેવાય જેવી બની છે. કોરોના કાળમાં લોકડાઉનની સ્થિતિમાં પણ લોકોની હાલત આ હદે કફોડી બની ન હતી. તેવા ઉદગારો હવે સાંભળવા મળી રહ્યાં છે.

રોજે રોજ પેટ્રોલ, ડીઝલના વધતા ભાવો અને અન્ય ચીજોમાં મોંઘવારીના માર ને લઈ ગૃહિણીઓએ હવે ઓછા રૂપિયામાં ઘર ચલાવવુ કઠિન બની રહ્યું છે. ગૃહિણીઓ માટે એક એક રૂપિયો મહત્‍વનો હોય છે. જો કિચનનું બજેટ વધી જાય તો ગૃહિણીઓની બચત પર અસર પડે છે. સરવાળે હાથમાં કંઈ આવતુ નથી. જોકે, હવે તેમને ખર્ચા પર કાપ મૂકવા સિવાય કોઇ છૂટકો નથી રહ્યો.

Facebook Comments Box

Videos

Our Partners