• માત્ર કાર્તિકેય પૂર્ણિમાના દિવસે જ પાટણમાં આવેલ છત્રપતેશ્વર મંદિરના દ્વાર ખૂલે છે
  • ગુજરાતના આ મંદિર સાથે જોડાયેલી છે ભક્તોની અટૂટ શ્રદ્ધા
  • પાટણમાં આવેલું છત્રપતેશ્વર મંદિર આશરે 250 વર્ષથી પણ વધુ જૂનું છે, દામોજીરાવ વખતનું છે આ મંદિર
  • વર્ષમાં એક જ દિવસ મંદિરના દ્વાર ખુલતાં હોવાથી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટે છે

WatchGujarat. કાર્તિકેય પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના દિવસે કાર્તિકેય સ્વામી ભગવાનની પૂજાનું ઘણુ મહત્વ રહેલું છે. ત્યારે ગુજરાતમાં કાર્તિકેય ભગવાનના બે એવા મંદિર છે જે વર્ષમાં માત્ર એક જ વખત ખૂલે છે. એક છે સિદ્ધપુર અને બીજુ પાટણમાં આવેલું છત્રપતેશ્વર મંદિર. વર્ષમાં એક જ વાર આ મંદિરના દ્વાર ખુલતા હોવાથી ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવતા હોય છે. આજે અમે તમને આ મંદિર સાથે જોડાયેલા કેટલાંક રહસ્યો વિશે જણાવીશું. કેમ આખું વર્ષ કાર્તિકેય સ્વામી ભગવાનનું આ મંદિર બંધ રાખવામાં આવે છે, માત્ર એક જ દિવસ ભક્તો દર્શન કરી શકે છે તે બાબત પાછળનું કારણ શું. આવા અનેક પ્રશ્નોના જવાબ અમે આપીશું.

કાર્તિકેય પૂર્ણિમા નિમિતે આજે મંદિરના દ્વાર ખુલતા દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ હતું. આ મંદિર આશરે 250 વર્ષથી પણ વધુ સમય અને દામોજીરાવ વખતનું મંદિર છે. જેમાં કુલ 36 જેટલા પિલરો આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરથી આ મંદિરનું નામ છત્રપતેશ્વર મંદિર પડ્યુ છે. પૌરાણિક કથાઓ અનુસાર શિવજીના બે પુત્રો ગણેશજી અને કાર્તિકેય ભગવાન બન્ને વચ્ચે પૃથ્વી ભ્રમણની શરત લાગી હતી. જેમાં ભગવાન ગણેશજીએ ચતુરાઈ વાપરી અને પૃથ્વીનું ભ્રમણ કરવાના બદલે પોતાના માતા-પિતાના સાત ફેરા ફરી ભ્રમણ પૂરૂ કર્યું હતું. જેના સૌ કોઈએ વખાણ કર્યા અને શિવજીએ ખુશ થઈ ગણેશજીના બે પત્નીઓ સાથે લગ્ન કરાવ્યા હતા. આ સમયે ભગવાન કાર્તિકેય ક્રોધિત થઈ પોતાને શ્રાપ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જે મારૂ મુખ જોશે તે વિધવા થશે. જોકે તમામ ભગવાન અને દેવતાઓ દ્વારા તેમને શાંત પાડી સમજાવ્યા હતા.

ગુસ્સો શાંત થતા કાર્તિકેય સ્વામીએ નિર્ણય કર્યો હતો કે, વર્ષની શરૂઆતની પ્રથમ પૂર્ણિમાના દિવસે જ પરિણિત મહિલાઓ મારા મુખના દર્શન કરશે તો તે સૌભાગ્યવતી બનશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ મળશે. જે બાદ ભગવાન કાર્તિકેયનું મંદિર વર્ષમાં એકવાર જ વાર ખુલે છે. મહત્વનું છે કે પાટણમાં આવેલ આ છત્રપતેશ્વર મંદિરના દ્વાર ખુલતા મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરમાં સમગ્ર શિવ પરિવાર બિરાજમાન છે.

નોંધનીય છે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલા મંદિરના દ્વાર ખોલવામાં આવે છે. તેમજ ભગવાનનું મુખ સૂર્યાસ્ત પહેલા બંધ કરી દેવામાં આવે છે. આજે કાર્તિકેય ભગવાનના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી મહિલાઓ અને ભક્તો મોટી સંખ્યામાં મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. તમામ ભક્તો પોતાની બાધા-મનોકામના પૂર્ણ કરવા ઉમટ્યા હતા. સુર્યોદય થી સૂર્યાસ્ત સુધી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ હતું. ભક્તો કાર્તિકેય ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

Facebook Comments Box

Videos

Our Partners