• મુખ્યમંત્રી મા- અમૃતમ, મા-વાત્સલ્ય અને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું
  • કાર્ડ ધારકોને ત્રણેય યોજનાઓમાં એક સમાન લાભો મળશે, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં નવું કાર્ડ કાઢી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે
  • હવે પરિવારદીઠ નહીં પણ વ્યક્તિદિઠ ‘PMJAY-મા’ કાર્ડ મળશે, જોકે મા- કાર્ડની મુદ્દત પુરી થયા બાદ વધારવામાં નહીં આવે
  • નવું કાર્ડ કાઢવાની ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવી છે, એકીકરણથી આશરે 70 લાખ જેટલા લાભાર્થી પરિવારોને કોઈ અસર નહીં થાય

WatchGujarat. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આરોગ્યને લગતી કેન્દ્ર અને રાજ્યની ત્રણ મોટી યોજનાઓનું એકીકરણ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હવે ત્રણ યોજનાનો એક જ કાર્ડમાં લાભ મળશે. ઉલ્લેખનીય છે કે આ એકીકરણના કારણે આશરે 70 લાખ જેટલા લાભાર્થી પરિવારોને કોઈ અસર નહીં થાય.

આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી અમલમાં રહેલી મુખ્યમંત્રી મા- અમૃતમ, મા-વાત્સલ્ય અને ભારત સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું એકીકરણ કરવામાં આવ્યું છે. જેની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ અંગે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગુરુવારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે હવે આ ત્રણેય યોજનાઓ ‘PMJAY-MA’ તરીકે ઓળખાશે. મહત્વનું છે કે મા- કાર્ડની વેલિડિટી પુરી થાય ત્યારે ‘PMJAY-MA’ કાર્ડ લેવું પડશે.

તમને જણાવી દઈએ કે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નાયબ સચિવ ભરત ડામોરની સહીથી આજે આ અંગેનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જાન્યુઆરી 2021માં આ સંદર્ભે ફાઈલ મોકલી હતી. જેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મે- 2021માં મંજૂરી આપી છે. આ ત્રણેય આરોગ્ય લક્ષી યોજનાના એકીકરણથી લાભાર્થી પરિવારોને કોઈ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે આશરે 70 લાખ જેટલા પરિવારો આ લાભ મેળવે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં મા-કાર્ડ હેઠળના લાભાર્થી પરિવારોને પહેલાં વાર્ષિક રૂપિયા ત્રણ લાખની મર્યાદામાં અને બાદમાં પાંચ લાખની મર્યાદામાં નિશુલ્ક આરોગ્ય સારવાર મળે છે. જે PMJAY-મા’ કાર્ડમાં પણ યથાવત રહેશે. નોંધનીય બાબત છે કે આ ત્રણેય યોજનાના સરકાર ફંડીગ સિવાય તેમાં કોઈ ફેરફાર નહીં આવે. મહત્વનું છે કે આ ત્રણેય યોજનાના તમામ લાભો, તેની સાથે જોડાયેલા દવાખાનાઓ, યોજનાઓનો અમલ કરતી સંસ્થાઓ, સોફ્ટવેર, ટ્રાન્જેક્શન મેનેજમેન્ટ સોફ્ટવેર સહિતની બાબતો સમાન જ છે. સાથે સાથે હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રોમાં નવું કાર્ડ કાઢી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કાર્ડ દીઠ 20 રૂપિયાની ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે જેમની પાસે મા- કાર્ડ છે તેવા પરિવારોમાં હવે પરિવારદીઠને બદલે વ્યક્તિદિઠ ‘PMJAY-મા’ કાર્ડ મળશે. ઉલ્લેખનીય છે કે આ એકીકરણ વર્ષ 2018માં આયુષ્યમાન ભારતના અમલની સાથે જ નક્કી હતુ. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં તે પહેલાથી જ અમલમાં હોવાથી લાભાર્થીઓમાં અસમંજસતા ન સર્જાય તે ઉદ્દેશ્યથી હવે જઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે માર્ચ- 2021માં મા- કાર્ડની મુદ્દત પુરી થયા બાદ રાજ્ય સરકારે 31 જુલાઈ સુધી મુદ્દતને લંબાવી હતી. પરંતુ હવે આ મુદ્દતને વધારવામાં આવશે નહીં.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud