• આ આંકડા મુજબ દેશભરમાં 1.13 કરોડમાંથી 8.75 ટકા લોકોને સિકલ સેલનો રોગ
  • ગુજરાતમાં SCD-SCTના સૌથી વધુ કેસ નોંધાયા, દેશભરમાં તેનો વ્યાપ 5 ટકાથી 34 ટકા છે
  • ગુજરાતમાં 86,44,928 લોકોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 29,266 લોકોને SCD અને 7,29,561 લોકોને SCTના લક્ષણો જણાયા
  • આદિજાતિ બાબતોના મંત્રાલયે રાજ્યોને રોગની સારવાર અને તેની સામેની કામગીરી માટે 60 કરોડની રકમ આપી છે

WatchGujarat. તાજેતરમાં લોકસભામાં ચોંકવાનારી વિગતો રજૂ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં 86,44,928 લોકોની સિકલ રોગ અંગે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 29,266 લોકોને સિકલ સેલ રોગ (SCD) અને 7,29,561 લોકોને સિકલ સેલ રોગના લક્ષણો (SCT) જણાયા હતા. ઉલ્લેખનીય છે કે આ આંકડો દેશના અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. તમને જણાવી દઈએ કે આ એક આનુવંશિક રક્ત સંબધિત રોગ છે જે ખાસ કરીને મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી રેણુકા સિંહ સરુતા દ્વારા લોકસભામાં સરકારી આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. આ સરકારી આંકડા અનુસાર, દેશભરમાં તપાસવામાં આવેલા 1.13 કરોડ લોકોમાંથી 8.75 ટકા લોકોમાં સિકલ સેલ રોગ (SCD) અને સિકલ સેલના લક્ષણ (SCT) મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં 27 રાજ્યોમાં 1,13,83,664 લોકોની SCD અને SCT માટે તપાસ કરવામાં આવી છે. જેમાંથી 9,49,057 લોકોને SCT અને 47,311 લોકોને SCD હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

નોંધનિય બાબત છે કે આ રોગ ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા સૌથી વધુ જોવા મળ્યો છે. આ અંગે મળતી વિગતો અનુસાર ગુજરાતમાં 86,44,928 લોકોની આ માટે તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 29,266 લોકોને SCD અને 7,29,561 લોકોને SCT હોવાનું જણાયુ હતું. ઉલ્લેખનીય છે કે આ દેશના કોઈપણ રાજ્યમાં સૌથી વધુ છે. જ્યારે ઓડિશામાં, પરીક્ષણ કરાયેલા 1,30,561 લોકોમાંથી 21.80 ટકા લોકો SCD અથવા SCT ધરાવે છે. આ ઉપરાંત આ આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં પરીક્ષણ કરાયેલા 13,71,758 લોકોમાંથી 1,69,191 ને SCT અને 14,141 ને SCD હોવાનું સામે આવ્યું છે.

શું છે SCD અને SCT

તમને જણાવી દઈએ કે સિકલ સેલ રોગનું પુરુ નામ sickle cell disease -SCD છે. આ રોગ વંશપરંપરાગત રક્ત વિકૃતિઓનું એક જૂથ છે, જ્યાં લાલ રક્તકણો સખત અને ચીકણા બને છે અને સિકલ જેવા દેખાય છે. મહત્વનું છે કે આ કોશિકાઓ સરળતાથી હલનચલન કરતી નથી અને શરીરના બાકીના ભાગમાં લોહીના પ્રવાહને જતો અવરોધે  છે. જેના કારણે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. જ્યારે સિકલ સેલના લક્ષણ SCTની વાત કરીએ તો આ એવા લોકોમાં થાય છે જેમની પાસે પહેલેથી જ એક સિકલ સેલ જનીન અને એક સામાન્ય જનીન હોય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ એક આનુવંશિક રક્ત સંબધિત રોગ છે. આ રોગ ખાસ કરીને મધ્ય, પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. પરંતુ આદિવાસી વસ્તીમાં સિકલ સેલ રોગનો રાજ્યવાર વ્યાપ દર નિશ્ચિતપણે જાણીતો નથી. જેનું કારણ છે કે આ પ્રકારનો કોઈ આંકડાકીય વિગતોને કેન્દ્રિય રીતે જાળવવામાં આવતી નથી. તમને જણાવી દઈએ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા આ અંગે અભ્યાસ હાથ ધરાયો છે. જેમાં દર્શાવાયું છે કે દેશભરમાં સિકલ સેલ રોગનો વ્યાપ 5 ટકાથી લઈને 34 ટકા સુધીનો છે. ઉલ્લેખનીય છે કે આ રોગથી બચવા માટે અસરકાર કામગીરી હાથ ધરવી જરૂરી છે. આ અંગે રેણુકા સિંહ સરુતાએ લોકસભામાં જણાવ્યું હતું કે, આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સિકલ સેલના રોગની સારવાર અને તેની સામે કામગીરી કરવા માટે રાજ્યોને 60 કરોડની રકમ આપવામાં આવી છે. જેથી આ રોગ સામે વહેલી તકે અસરકાર પગલા લઈ શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud