• હજુ બે દિવસ હીટવેવની અસર રહેશે
  • ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા
  • વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો

WatchGujarat.માર્ચ મહિનામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત ભારતના અનેક રાજ્યોમાં ગરમ હવા-લૂ ચાલી રહી છે. દેશમાં આ વર્ષે વધતા તાપમાને 122 વર્ષનો વિક્રમ તોડયો છે. સમગ્ર દેશમાં માર્ચ મહિનામાં સરેરાશ તાપમાન સામાન્ય કરતાં 1.86 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો. ત્યારે હિટવેવની વકી હજુ બે દિવસ રહેવાને કારણે તાપમાન વધવાની વકી છે. રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. 4-5 એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હજુ બે દિવસ હીટવેવની અસર રહેશે. તે પછી ગરમીમાં નજીવો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી વધાવા છતાં રાતના સમયે પણ ગરમીનો અહેસાસ થયો હતો. સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મે મહિનામાં કેવી ગરમી પડશે તે મુદ્દે સૌ કૌઇ વિચારતા થઇ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સતત પડી રહેલી ગરમીને કારણે ડી હાઇડ્રેશન, લૂ લાગવાના કિસ્સા પણ સતત વધી રહ્યાં છે. ત્યારે ઉનાળા દરમિયાન લોકોએ વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને કામ વગર બપોરના સમયે ઘર બહાર ન જવાની સલાહ તબીબો આપી રહ્યાં છે.

Facebook Comments Box

Videos

Our Partners