• ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી, અગરીયાઓની હાલત કફોડી બની
  • સુરેન્દ્રનગરના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓ કમોસમી વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા
  • માવઠાના કારણે અગરીયાઓના પાટા ધોવાયા, સોલર પેનલોમાં પણ ભારે નુકસાન
  • રણમાં આવવા-જવાનો રસ્તો પણ બંધ થતા અગરીયાઓનો ગામ સાથે સંપર્ક તૂટ્યો

Watchgujarat. ગુજરાતમાં થોડા દિવસોમાં વાતાવરણમાં ભારે ફેરફારો જોવા મળ્યો છે. ગત ત્રણ થી ચાર દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસરના કારણે ગુજરાતના હવામાનમાં તેની અસર વર્તાઈ છે. જેમાં સમગ્ર રાજ્યના વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. જેમાં રાજ્યના 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોની સાથે સાથે હવે રણમાં મીઠું પકવતા અગરીયાઓની હાલત કફોડી બની છે.

હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી બાદ અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ આ કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતો અને અગરીયાઓની મુશ્કેલીઓ વધી છે. જેમાં સુરેન્દ્રનગરના નાના રણમાં મીઠું પકવતા અગરીયાઓની હાલત કફોડી બની છે. ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદના કારણે અગરીયાઓના પાટા ધોવાયા હતા. એટલું જ નહીં સોલર પેનલોમાં પણ ભારે નુકસાન થયું છે.

અગરીયાઓનો ગામ સાથે સંપર્ક તૂટ્યો

અગરીયાઓ રણમાં મીઠું પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે આ કમોસમી માવઠાના કારણે તેમની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. સાથે સાથે વરસાદના કારણે રણમાં આવવા જવાના રસ્તાઓ પર પાણી ભરાયું છે. મહત્વનું છે કે રણમાં આવવા-જવાનો રસ્તો બંધ થતા અગરીયાઓનો ગામ સાથે સંપર્ક તૂટ્યો છે. આવી કપરી પરિસ્થિતીમાં તેમની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લેતી. આ અગરીયાઓ પાસે રાશન પણ પુરતા પ્રમાણમાં ના હોવાથી તેઓની હાલત બદથી બદતર થઈ ગઈ છે.

અગરીયાઓએ સરકાર પાસે સહાયની માંગ કરી

ગુજરાતમાં કમોમસી વરસાદના કારણે રણમાં મીઠું પકવતા અગરીયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. આવા સમયમાં તેઓએ સરકાર પાસે સહાયની માંગ કરી છે. આ અંગે એક અગરીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે દોઢથી બે મહિનાની અમારી મહેનત પર પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં સોલર પણ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી અગરીયાઓએ માંગ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud