• વડોદરામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કેસ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું મહત્વનું નિવેદન
  • પીડિતાના ભાઈ તરીકે હું તેને ન્યાય અપાવીશ – હર્ષ સંઘવી
  • આરોપીઓ લાંબો સમય પોલીસની પકડથી દૂર નહીં રહી શકે – ગૃહ રાજ્યમંત્રી

WatchGujarat. વડોદરા શહેરના વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરવા મામલે ગુજરાત પોલીસની વિવિધ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં અત્યાર સુધી ઘણી બધી ચોંકનારી વિગતો સામે આવી છે. પરંતુ હજુ સુધી આરોપીઓ પોલીસની પકડ બહાર છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે મીડિયાને જણાવ્યું છે કે, હું પીડિતાના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ.

હું પીડિતાના ભાઈ તરીકે તેને ન્યાય અપાવીશ – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

તાજેતરમાં વડોદરામાં યુવતી પર દુષ્કર્મ અને આપઘાતનો મામલો સામે આવતા રાજ્યમાં ચકચારી મચી જવા પામી છે. આ મામલે હવે હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ બનાવ અંગે રેલવે પોલીસ, વડોદરા શહેર પોલીસ સહિત ગુજરાત પોલીસની વિવિધ 35 જેટલી ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં 500થી વધુ સીસીટીવી ફૂટેજ અને લોકેશન ટ્રેકીંગ સિસ્ટમના માધ્યમથી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરાઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત રાજ્યની પોલીસ ખૂબ જ મજબૂતાઈ થી આ કેસ પર કામ કરી રહી છે. પીડિતા અને તેના પરિવારને ન્યાય અપાવવાની જવાબદારી અમારી છે. હું માત્ર રાજ્યના ગૃહમંત્રી તરીકે જ નહીં પરંતુ એક ભાઈ તરીકે પીડિતાને ન્યાય અપાવીશ.

આ સાથે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, આ કેસ પર કામ કરી રહેલા તમામ પોલીસ જવાનો પીડિતાના ભાઈ તરીકે જ પોતાની ફરજ નિભાવી રહ્યા છે. ટૂંક જ સમયમાં તમામ આરોપીઓ પોલીસના સંકજામાં હશે. અત્યારે ભલે આરોપીઓ ઝડપાયા નથી, પરંતુ તેઓ લાંબો સમય પોલીસની પકડથી દૂર નહીં રહી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા આ મામલામાં શંકાસ્પદ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. યુવતીનો પીછો કરનાર એક વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો છે.

નશાના દરેક નેટવર્કનો પોલીસ પર્દાફાશ કરશે- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

નોંધનીય છે કે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાતમાં ઝડપાઈ રહેલા ડ્રગ્સના જથ્થા અંગે પણ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, રાજ્યના યુવાનો કોઈ પણ પ્રકારના ડ્રગ્સ કે માદક દ્રવ્યોના આદી ન બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કોઈ ગુજરાતની બોર્ડર પરથી ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે એ તમામનું ગુજરાત પોલીસની ટીમ મજબૂતાઈથી સ્વાગત કરશે. ડ્રગ્સ માફિયાઓ ચેતવણી આપતા હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાતમાં જો કોઈ લોકો ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરશે તેમને વર્ષો સુધી તેના પરિવારથી દૂર રહેવું પડશે અને જેલમાં જવાનો વારો આવશે.

Facebook Comments Box

Videos

Our Partners