WatchGujarat: PM નરેન્દ્ર મોદી આજે બુધવારે ફિરોઝપુરમાં રેલી કરવાના હતા પરંતુ સુરક્ષાના કારણોસર રેલી રદ કરવામાં આવી છે. જ્યારે વડાપ્રધાનનો કાફલો હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિમી દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓએ ત્યાં રસ્તો રોકી દીધો હતો. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા પાસે ફ્લાયઓવર પર 15-20 મિનિટ સુધી અટવાઈ ગયો હતો.

તેને PM મોદીની સુરક્ષામાં મોટી ખામી ગણાવતા ગૃહ મંત્રાલયે પંજાબ પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. ગૃહ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનની પંજાબની મુલાકાતમાં “મોટી સુરક્ષા ભૂલો” પછી, તેમના કાફલાએ પાછા ફરવાનો નિર્ણય કર્યો. અમે પંજાબ સરકારને આ ભૂલની જવાબદારી નક્કી કરવા અને કડક પગલાં લેવા જણાવ્યું છે.

જયારે, ભટિંડા એરપોર્ટના અધિકારીઓએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, ભટિંડા એરપોર્ટ પર પાછા ફરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના અધિકારીઓને કહ્યું – તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું ભટિંડા એરપોર્ટ સુધી જીવતો પરત ફરવામાં સફળ રહ્યો…

PM મોદી આજે સવારે ભટિંડા પહોંચ્યા હતા જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા પરંતુ વરસાદ અને નબળી દૃશ્યતાને કારણે, વડા પ્રધાને હવામાન સાફ થવાની લગભગ 20 મિનિટ રાહ જોવી પડી. હવામાન પરિસ્થિતિઓમાં કોઈ સુધારો ન થતાં, કાફલાએ માર્ગ દ્વારા સ્મારક તરફ આગળ વધવાનું નક્કી કર્યું. રિપોર્ટ અનુસાર, ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષા વ્યવસ્થાની પુષ્ટિ કર્યા બાદ પીએમ મોદીનો કાફલો રોડ માર્ગે આગળ વધ્યો હતો, જે દરમિયાન આ ઘટના બની હતી.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે PM મોદીનો કાફલો હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો હતો. પીએમ 15-20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા. આ એક મોટી ભૂલ હતી. પંજાબ સરકારને વડા પ્રધાનના સમયપત્રક અને મુલાકાત વિશે લાંબા સમય પહેલા જાણ કરવામાં આવી હતી. પંજાબ સરકારને વધારાના સુરક્ષા કર્મચારીઓને તૈનાત કરવા કહેવામાં આવ્યું હતું જે દેખીતી રીતે રસ્તા દ્વારા કોઈપણ હિલચાલને સુરક્ષિત કરવા માટે તૈનાત ન હતા.

જણાવી દઈએ કે, પીએમ મોદી ફિરોઝપુરથી 42,750 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાના હતા. રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ પહોંચ્યા હતા. વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલીમાં હાજરી આપી ન હતી. જો કે સ્ટેજ પરથી અન્ય નેતાઓના ભાષણો ચાલુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud