WatchGujarat. તાજેતરમાં અમુક કિસ્સાઓમાં જોવા મળે છે કે માનસિક અસ્થિર બાળકી, સગીરા, યુવતી કે સ્ત્રી પર બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવી દેવી. આવી વ્યક્તિ પોતાના જાતીય વર્તન અને વિચારમાં નિયંત્રણ ન મૂકી શકે તે પોતાના તથા સમાજ માટે એક ખતરો બની રહે છે. એવી વ્યક્તિ જે સતત જાતીય વર્તન વિશે વિચારો કર્યે રાખે છે તેને ઓબ્સેસીવ (અનિવાર્ય) જાતીય વર્તન વિકૃતિ તરીકે ઓળખાવી શકાય. જેમાં વ્યક્તિ કોઈપણ વિચાર વગર બસ જાતીય સંબંધોને જ મહત્વ આપે છે. આ વિકૃતિની મનોવૈજ્ઞાનિક સમજ અને તેની અસરો વિશે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર.દોશીના માર્ગદર્શનમાં પઠાણ રેહાના દ્વારા આપવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ, જાતિય ઉશ્કેરાટ સભર દ્રશ્યો જાત પર ઓછું નિયંત્રણ ધરાવતા લોકોને પાશવી બનાવે છે.

શુ છે અનિવાર્ય જાતિય વર્તન વિકૃતિ

અનિવાર્ય લૈંગિક વર્તણૂકને કેટલીકવાર અતિલૈંગિકતા, હાયપરસેક્સ્યુઆલિટી ડિસઓર્ડર અથવા જાતીય વ્યસન પણ કહેવામાં આવે છે. તે જાતીય કલ્પનાઓ, સંબધો અથવા વર્તન છે જે નિયંત્રિત કરવા મુશ્કેલ છે, આ પ્રકારની વિકૃતિ ધરાવનાર વ્યક્તિ પોતાની જાત સાથે અન્યને પણ નિષેધક અસરો કરે છે. અનિવાર્ય જાતીય વર્તણૂકમાં સામાન્ય રીતે આનંદપ્રદ જાતીય અનુભવોની વિવિધતાનો સમાવેશ થાય છે. જેમ કે સાયબરસેક્સ, બહુવિધ જાતીય ભાગીદારો, પોર્નોગ્રાફી અથવા જાતીય સંબધો સ્થાપવા માટે પૈસા આપવાનો સમાવેશ થાય છે.

ઘણી વખત વ્યક્તિ માનસિક વિકલાંગ વ્યક્તિ સાથે પણ આ પ્રકારના જાતીય સંબધો બાંધતા કે તેના પર બળાત્કાર કરતા અચકાતી નથી. જ્યારે આ લૈંગિક વર્તણૂકો વ્યક્તિના જીવનમાં મુખ્ય કેન્દ્ર બની જાય છે, ત્યારે તેને નિયંત્રિત કરવું મુશ્કેલ હોય છે, અને વ્યક્તિને પોતાની અથવા અન્ય લોકો માટે વિક્ષેપકારક અથવા હાનિકારક હોય છે, ત્યારે તેને અનિવાર્ય જાતીય વર્તન ગણવામાં આવે છે. આ પ્રકારે વિકૃત વર્તનની ચોક્કસ પ્રકૃતિ અને અનિવાર્ય જાતીય વર્તન વ્યક્તિના સંબંધો આત્મસન્માન, કારકિર્દી, આરોગ્ય અને અન્ય લોકોને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ સારવાર અને સ્વ- સહાય સાથે આવી વ્યક્તિ અનિવાર્ય જાતીય વર્તનનું સંચાલન કરવાનું શીખી શકે છે.

અનિવાર્ય જાતિય વર્તનના લક્ષણો

 • વ્યક્તિને વારંવાર અને તીવ્ર જાતીય કલ્પનાઓ અને વિચારો આવ્યા કરતા હોય છે. જે તેનો ઘણો સમય લે છે અને એવું લાગે છે કે, વિચારો તેના નિયંત્રણ બહાર છે.
 • અમુક જાતીય વર્તણૂકો કરવા માટે પ્રેરિત થતા હોય છે. અને જાતીય સંબધો બાંધ્યાં પછીથી તણાવમાંથી મુક્તિ અનુભવે છે.
 • જાતીય કલ્પનાઓ, વિચારો અથવા વર્તનને ઘટાડવા અથવા નિયંત્રિત કરવામાં અસફળ રહે છે.
 • પોતાની ઈચ્છાઓ પૂરી કરવા એક કરતાં વધુ પાર્ટનર સાથે સંબધો વિકસાવે છે.
 • અન્ય સમસ્યાઓ, જેમ કે એકલતા, હતાશા, ચિંતા અથવા તણાવથી બચવા માટે અનિવાર્ય જાતીય વર્તનનો ઉપયોગ કરતા જોવા મળે છે.
 • સ્વસ્થ અને સ્થિર સંબંધો સ્થાપિત કરવામાં અને જાળવવામાં મુશ્કેલી પડે છે.
 • પોતાના આ અંગત સ્વાર્થને સિદ્ધ કરવા કોઈપણ ઉંમરની વ્યક્તિ સાથે સંબધો વિકસિત કરી શકે.

અનિવાર્ય જાતિય વર્તનના કારણો

 • અયોગ્ય હોર્મોન્સ
 • બદલો લેવાની વૃત્તિ
 • મગજનો અયોગ્ય વિકાસ
 • આવેગિક સમસ્યાઓ
 • સંબંધોમાં સમસ્યાઓ
 • વ્યસન
 • વિકૃત આનંદ મેળવવાની ઘેલછા
 • પોર્નગ્રાફીની લત
 • નાનપણમાં પ્રેમનો અભાવ વગેરે

અનિવાર્ય જાતિય વર્તનનાં જોખમી ઘટકો

 • અપરાધ, શરમ અને નિમ્ન આત્મસન્માનની લાગણીઓ સાથે સંઘર્ષ
 • અન્ય માનસિક સ્વાસ્થ્ય સ્થિતિઓ વિકસવી, જેમ કે હતાશા, આત્મહત્યા, ગંભીર તકલીફ અને ચિંતા
 • જીવનસાથી અને પરિવાર પ્રત્યે અવગણના અથવા જૂઠું બોલવુ અર્થપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડે છે અથવા નાશ કરે છે
 • ધ્યાન ગુમાવી દેવું અથવા જાતીય પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવું અથવા કામ પર ઇન્ટરનેટ પોર્નોગ્રાફી શોધવી,નોકરીને જોખમમાં મુકવી.
 • એચ.આય.વી, હેપેટાઇટિસ અથવા અન્ય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ લાગવો અથવા કોઈ બીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપ પહોંચાડી શકે
 • બિનઆરોગ્યપ્રદ પદાર્થોના ઉપયોગમાં વ્યસ્ત રહેવું, જેમ કે મનોરંજક દવાઓનો ઉપયોગ કરવો અથવા વધુ પડતો દારૂ પીવો
 • સામાજિક જવાબદારીઓથી ભાગવું વગેરે

અનિવાર્ય જાતિય વર્તનનું નિદાન

 • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર જાતિયતાના વિચારને કારણે નિષેધક અસર
 • જાતીય વિચારો, વર્તન અને મજબૂરીઓ કે જેને નિયંત્રિત કરવી મુશ્કેલ છે
 • મનોરંજક કે માદક દવાઓ અને દારૂનો ઉપયોગ
 • કુટુંબ, સંબંધો અને સામાજિક પરિસ્થિતિ માં કુસમાયોજન
 • જાતીય વર્તણૂકને કારણે સમસ્યાઓ
 • વિજાતીય પાત્રને જોઈને પોતાની જાત પર નિયંત્રણ ગુમાવવું

અનિવાર્ય જાતીય વર્તન વિકૃતીનું નિવારણ કરવાનાં ઉપાયો

 • જાતીય વર્તણૂકની સમસ્યાઓ માટે વહેલી મદદ મેળવવી
 • માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓ માટે વહેલી સારવાર લેવી.
 • આલ્કોહોલ અને માદક દ્રવ્યોના દુરૂપયોગની સમસ્યાઓને ઓળખવી અને મદદ મેળવવી
 • જોખમી પરિસ્થિતિઓ ટાળવી.
 • જાત પર નિયંત્રણ મુકતા શીખવું
 • ‘વર્ચ્યુઅલ એક્સપોઝર થેરાપી’ અને ‘ફૅન્ટેસી ડિસેન્સિટાઇઝેશન થેરાપી’ આવા લોકો માટે મનોરોગ ચિકિત્સા શરૂ કરતાની સાથે જ અસરકારક સાબિત થાય છે.
 • પરિવારના સભ્યોનો ભાવનાત્મક ટેકો અને પ્રોત્સાહન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી દર્દી હતાશા અને અકળામણની લાગણીમાંથી બહાર આવી શકે અને મનોરોગ ચિકિત્સા માટે યોગ્ય સહકાર આપી શકે.
Facebook Comments Box

Videos

Our Partners