• યુવતીએ સોશિયલ મિડિયા પર ડમી એકાઉન્ટ બનાવી પતિ ફૈઝલને રિકવેસ્ટ મોકલી હતી
  • પતિને શંકા જતા તપાસ કરાવી તો તે પરિણીતાનું જ હોવાનું જાણવા મળ્યું હતું
  • જેથી તેને સોશિયલ મિડિયા પર જ તલાક તલાક તલાકના મેસેજ મોકલી આપ્યાં હતાં
  • ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે પતિ ફૈઝલ સતાર શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી


WatchGujarat.સોશ્યિલ મિડીયાનાં ઉપયોગથી દિવસે-દિવસે અણબનાવ વધતાં જાય છે. આજ-કાલ લોકોના જીવનમાં સોશ્યિલ મિડીયા એટલું વણાયેલું છે કે તમામ કામ-કાજ એના થકી થાય છે. કોઇ સારી વ્યકિતને તુરંત સંપર્ક થાય છે તો વળી વર્ષો જૂના સંબંધ પલભરમાં તૂટી જાય છે. પરંતુ હવે તો તલાક પણ સોશિયલ મિડીયા પર જ થવા લાગ્યા છે. આવો જ એક કિસ્સો ઉમરેઠમાં સામે આવ્યો છે. અહીં રહેતી યુવતીના લગ્ન બે વર્ષ પહેલા મુળ વિરપુરના અને હાલ અંકલેશ્વર સ્થાયી થયેલા યુવક સાથે થયાં હતાં. આ લગ્ન જીવન દરમિયાન ઘરકંકાસ થતાં પતિએ મૌખિક જ તલાક તલાક કહી પરિણીતાને પિયર મોકલી આપી હતી. બાદમાં પરિણીતાએ સોશિયસ મિડિયા પર ડમી એકાઉન્ટ બનાવી વાતચીત કરી હતી. જેમાં થોડા સમય બાદ પતિને ખ્યાલ આવતાં તેણે તે એકાઉન્ટ પર તલાકના મેસેજ મોકલી આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

મળતી માહિતી મુજબ ઉમરેઠની સંજરી સોસાયટીમાં રહેતીના યુવતીના લગ્ન 23મી નવેમ્બર 2019ના રોજ ફૈઝલસતાર શેખ (રહે.ડેભારી, તા.વિરપુર, જિ. મહિસાગર, હાલ રહે. લેકવિલા સોસાયટી, અંકલેશ્વર) સાથે થયાં હતાં. જોકે, લગ્ન બાદ સાસરિયા પરિણીતાને દહેજ મામલે ત્રાસ આપતાં હતાં. દરરોજના આ ત્રાસથી કંટાળી આખરે પરિણીતાએ પતિ ફેઝલ, સાસુ મદીનાબીબી, નણંદ ફરજાના, તસ્લીમબાનુ વિરૂદ્ધ ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. દરમિયાનમાં 25મી જુલાઇ 21ના રોજ પરિણીતા સાસરીમાં ડેભારી ખાતે રહેતી હતી તે વખતે બપોરના પતિ ફૈઝલ ઉશ્કેરાઇ ગયો હતો અને તુ મને ગમતી નથી અને તારી સાથે મારે રહેવું નથી. તેમ કહી ત્રણ વખત તલાક બોલી ઘરમાંથી કાઢી મૂકી હતી. આથી પરિણીતા ફરી પિતાના ઘરે ઉમરેઠ આવી ગઇ હતી.

અહીં તેને શંકા જતાં સોશિયલ મિડિયા પર ડમી એકાઉન્ટ બનાવી પતિ ફૈઝલને રિકવેસ્ટ મોકલી હતી. આ રિકવેસ્ટ પતિએ સ્વીકારી થોડા દિવસમાં વાતચીત શરૂ કરી દીધી હતી. દરમિયાનમાં કોઇ બાબતે ફૈઝલને શંકા જતાં તેણે એકાઉન્ટની તપાસ કરતાં તે પરિણીતાનું જ હોવાનું જાણવા મળ્યું હતું. આથી, 7મી નવેમ્બર 21ના રોજ સોશિયલ મિડિયા પર જ તલાક તલાક તલાકના મેસેજ મોકલી આપ્યાં હતાં. આખરે આ બાબતે પરિવારમાં જાણ કરતાં તેઓ પણ ચોંકી ગયાં હતાં અને આ અંગે ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે પતિ ફૈઝલ સતાર શેખ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પરિણીતાએ તલાક મુદ્દે પરિવારને જાણ કર્યા બાદ મામલો સમાજના આગેવાનો સુધી પહોંચ્યો હતો. જોકે, આગેવાનોએ જે તે સમયે સમાધાન માટે વાતચીત ચાલતી હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ શારીરિક-માનસિક ત્રાસની આપેલી ફરિયાદમાં જે તે વખતે તલાકનો ઉલ્લેખ કર્યો નહતો. તલાક બોલવું કે મેસેજ કરવો તે ગુનો બને છે. તેવા કાયદાથી પરિણીતા અજાણ હોવાનું જણાવ્યું હતું. આખરે આ બાબતની જાણ થતાં તેણે પતિ સામે ફરિયાદ આપી હતી.

Facebook Comments Box

Videos

Our Partners