• અરબી સમુદ્રમાં લૉ-પ્રેસરના કારણે છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના 60 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
  • સૌથી વધુ વરસાદ વલસાડમાં 3.5 ઈંચ, જ્યારે પાલનપુરમાં 3 ઈંચ, દાંતામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો
  • અચાનક આવેલા માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો
  • રાજયના અનેક માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પડેલા તૈયાર પાકને પણ નુકશાન થયું

WatchGujarat. રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. છતાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં પલટો આવ્યો છે. ગુજરાતમાં ઠંડીની સાથે સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં લૉ-પ્રેસરના કારણે ગુજરાતના હવામાનમાં તેની અસર વર્તાઈ છે. જેમાં સમગ્ર રાજ્યના વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે.

તાજેતરમાં જ હવામાન નિષ્ણાંત દ્વારા રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. જે બાદ શુક્રવારે રાજ્યના 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરંતુ આ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. મહત્વનું છે કે બટાકા માટે જાણીતા બનાસકાંઠામાં રવી સીઝનના વાવેતરને હજુ ગણતરીના દિવસો જ થયા છે. ત્યારે અચાનક આવેલા માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત રાજયના અનેક માર્કેટ યાર્ડ ખેડૂતોના પડેલા તૈયાર પાકને પણ નુકશાન થયું છે. નોંધનીય છે કે ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિના કારણે મોટાભાગના ખેડૂતોને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ કમોસમી વરસાદે તેઓની મુશ્કેલી વધારે છે.

ક્યા કેટલો વરસાદ નોંધાયો

રાજ્યમાં ગત શુક્રવારે 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 3.5 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે પાલનપુરમાં 3 ઈંચ, દાંતામાં 2.5 ઈંચ વરસાદ ખબક્યો હતો. આ ઉપરાંત વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ થયો હતો. તેમજ માવઠાના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud