• આજે 25મી જાન્યુઆરીથી સરોગેસી રેગ્યુલેશન એક્ટનો ભારતભરમાં અમલ શરૂ 
  • જીવનમાં હવે એક જ વાર સરોગેટ માતા બની શકાશે, નહીં તો 10 લાખ દંડ સહિત 10 વર્ષની સજા
  • નવા કાયદા અનુસાર સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરાયું
  • પહેલા એક બાળકો હોય તે જ માતા કૂખ ભાડે આપી શકે

WatchGujarat. આજે 25 જાન્યુઆરી, 2022ના રોજથી એક મહત્વનો કાયદો અમલમાં આવ્યો છે. સાંપ્રત જીવનમાં મેડિકલક્ષેત્રે વધી રહેલા સરોગેસી માતાના ચલણના મામલે સરકારે સરોગેસી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત કડક નિયમો અમલમાં લાવી દીધા છે. જે મુજબ હવેથી કોઇપણ મહિલા જીવનમાં એક જ વાર સરોગેટ મધર બની શકશે. જો આ નિયમોનું ભંગ થાય તો 10 લાખનો દંડ અને 10 વર્ષની સજાની જોગવાઈ પણ આ કાયદામાં કરાઈ છે.

મહત્વનું છે કે ભારતમાં સરોગેસી માતાનું ચલણ વધી ગયું હતું. તેમાં પણ સરોગેસી મામલે અગાઉ કોઈ નિયમ ન હોવાને કારણે ઈચ્છુક દંપત્તીને કૂખ ભાડે આપનારી મહિલાઓ મળી રહેતી હતી. જેનો ચાર્જ કૂખ ભાડે લેનાર દંપતી ચૂકવતા હતા. પરંતુ હવે આ મામલે કડક નિયમો આવી જતાં ઘણી ધંધાદારી પ્રવૃતિ પર લગામ લાગી જશે તેવું મેડિકલ ક્ષેત્રના નિષ્ણાતોએ જણાવ્યું હતું.

આ નિયમો અમલમાં આવી ગયા

  • નવા નિયમો મુજબ હવેથી ધંધાદારી સરોગેસી નિષેધ કરવામાં આવી
  • અલ્ટ્રાયુસ્ટિક સરોગેસી જ કાયદાકીય
  • મહિલાનો મેડિકલ ખર્ચ તથા 36 મહિનાના વીમા સિવાય કોઈપણ ચાર્જ, ફી, વળતરનો સમાવેશ થતો નથી.
  • સરોગેસી ક્લિનિકનું રજિસ્ટ્રેશન ફરજિયાત
  • સરોગેટ માતા બનનાર મહિલા પરિણીત હોય, તેણીની ઉંમર 25 થી 35 વર્ષ હોવી જોઈએ
  • કોઈપણ મહિલા જીવનમા એક જ વાર સરોગેટ માતા બની શકે છે
  • સરોગેટ માતાનું શારીરિક-માનસિક રીતે ફિટનું પ્રમાણપત્ર ફરજીયાત

ઈચ્છુક દંપતીની લાયકાત

સરોગેસી દ્વારા બાળકની ઈચ્છા ધરાવતા દંપત્તીની પણ લાયકાત આ કાયદામાં સમાવવામાં આવી છે. જે મુજબ ઈચ્છુક દંપતી પરિણીત હોય, સ્ત્રીની ઉંમર 23 થી 50 વચ્ચે હોય અને પુરુષની ઉંમર 26થી 55 વચ્ચે હોવી જોઈએ. આ ઉપરાંત ઈચ્છુક દંપતીને કુદરતી, દત્તક કે સરોગેટથી પણ કોઈ જીવિત બાળક હોવું ન જોઈએ. જોકે આ અગાઉ કોઈ પણ રોકટોક વગર ભારતમાં સરોગેસી થતી હતી.

નવો કાયદો અમલમાં આવતા હવેથી જે મહિલા પરિણીત હોય, બાળકો હોય તે જ કૂખ એક રીતે ભાડે આપી શકશે. આ માટે તે રૂપિયા પણ ન લઇ શકે અને આવી માતાનો 36 મહિનાનો વીમો લેવો પણ ફરજિયાત કરી દેવાયો છે. આ અંગે નિષ્ણાતો કહે છે કે, સરકારે ઘડેલો કાયદો મંગળવારથી અમલમાં આવ્યો છે. જોકે આ અગાઉ સરોગેસી મામલે કોઈ રોકટોક ન હતી. જેના કારણે પ્રોફેશનલ્સ પણ એક્ટિવ હતા. હવે કાયદાનો ભંગ થાય તો કડક સજાની જોગવાઈ છે. જેથી કરીને ધંધાદારી પ્રવૃતિઓને અટકાવી શકાશે.

Facebook Comments Box

Videos

Our Partners