• ભરૂચના અયોધ્યા નગરમાં 6 મહિનાથી ઉભરાતી ગટરોથી રહીશો પરેશાન
  • ઘર બહાર અને અંદર પણ ડ્રેનેજના ગંદા પાણી ફરી વળતા લોકોને જીવવું દુષ્કર
  • ભૂગર્ભ ગટર યોજનાને ટૂંક સમયમાં શહેરમાં જ્યાં લાગુ કરવાનું પાલિકા કહી રહી છે ત્યાં, હજી પણ ડ્રેનેજના કેટલાય વિસ્તારોમાં ઠેકાણાં નથી

WatchGujarat. ભરૂચની અયોધ્યાનગર સોસાયટીના રહીશોને પાલિકાના વાંકે છેલ્લા 6 મહિનાથી પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. સોસાયટીમાં 3000 જેટલા ઘરો આવેલા છે ત્યારે કેટલાયને રોજ બહારથી ભોજન મંગાવવું પડે છે. જે પાછળનું કારણ છે ઘરમાં ભરાઈ રહેતા ગટરના ગંદા પાણી.

ભરૂચ શહેરના લીંક રોડ ઉપર આવેલી અયોધ્યા નગર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી ઉભરાતી ગટરોના કારણે લોકો નર્કાગારમાં જીવી રહ્યાં છે. સોસાયટીની લાઈનમાં બહાર તેમજ કમ્પાઉન્ડ સાથે લોકોના ઘરમાં પણ ગટરના પાણી ફરી વળતા હોય તેઓ પાલિકામાં આ અંગે રજુઆત કરી થાકી ગયા હોવા છતાં સમસ્યાથી છુટકારો મળ્યો નથી.

શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા અયોધ્યા નગરમાં છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યાં છે. ગટરના પાણી સોસાયટીમાં અને લોકોના ઘરમાં પણ ફરી વળતા હોય લોકોની હાલત દયનિય બની છે.

સ્થાનિક કોર્પોરેટરોને સોસાયટીની મહિલાઓએ અનેક વખત રજુઆત કરતા તેઓ સ્થળ ઉપર આવી થઈ જશે કહી જતા રહેવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે. ચોમાસા પેહલા ડ્રેનેજની સમસ્યાનો કાયમી હલ કરાઈ તેવી અપેક્ષા પાલિકા પાસે સોસાયટીના રહીશો સેવી રહ્યાં છે. કેટલાક ઘરોમાં તો કિચનમાં પણ ગટરના ગંદા પાણી ફરી વળતા હોય ગૃહિણીઓને બહારથી ભોજન લાવવું પડતું હોવાની હૈયાવરાળ ઠાલવી રહી છે.

શહેરમાં કરોડોના ખર્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. તે પૂર્ણ થવાના અંતિમ તબક્કે છે ત્યારે હજી પણ પાલિકા વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારો અને સોસાયટીઓમાં ડ્રેનેજના પાણીના નિકાલની સમસ્યા જોવા મળી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners