• શહેરનાં માલવીયા ચોક ખાતે સિટીબસ ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી
  • નજીવી બાબતે બસ ડ્રાઈવર દ્વારા જાહેરમાં બાઇક ચાલક વૃદ્ધને ગંદી ગાળો આપી ઢોર માર મારવામાં આવ્યો
  • કોઈએ ઘટનાને મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો પણ વાયરલ થયો
  • પોલીસે દાદાગીરી કરનાર બસ ચાલકને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી

WatchGujarat. શહેરનાં માલવીયા ચોક ખાતે સિટીબસ ચાલકની દાદાગીરીની ઘટના સામે આવી છે. જેમાં નજીવી બાબતે બસ ડ્રાઈવર દ્વારા જાહેરમાં બાઇક ચાલક વૃદ્ધને ગંદી ગાળો આપી ઢોર માર મારવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ જતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. કોઈએ ઘટનાને મોબાઈલમાં કેદ કરી લેતા તેનો વિડીયો પણ વાયરલ થયો છે. જો કે પોલીસે દાદાગીરી કરનાર બસ ચાલકને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

જાણવા મળતી વિગત અનુસાર, યાજ્ઞિક રોડ નજીકના માલાવીયા ચોક પાસે સિટીબસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન બાઈક ચાલક આડો ઉતરતા સિટીબસ ડ્રાઈવર ઉશ્કેરાયો હતો. અને બસ રસ્તા વચ્ચે રાખીને બાઈક ચાલક વૃદ્ધ સાથે બોલાચાલી કરી ગંદી ગાળો આપી હતી. એટલું જ નહીં બાઈક ચાલક કંઈ સમજે તે પહેલાં જાહેર રસ્તા ઉપર ફડાકાવાળી કરી મુક્તા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અને ટ્રાફિકજામ સર્જાયો હતો.

વિજય કાપડી નામના આ બસ ચાલકે બાઈક ચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો. આ દરમિયાન ત્યાંથી રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇનપેક્ટર સી.જે.જોશી પસાર થયા હતા. જેઓએ સીટીબસ ચાલક વૃદ્ધને માર મારી રહ્યો હોવાનું જોઈને તાત્કાલીક બસ ચાલક વિજય કાપડીને બસમાંથી નીચે ઉતારી અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. અને સમગ્ર મામલે વિજય કાપડીની પુછપરછ હાથ ધરવામાં આવી છે.

બીજીતરફ મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ પણ સમગ્ર મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. અને જણાવ્યું હતું કે, સિટીબસનાં કર્મચારીની દાદાગીરીનો વિડીયો સામે આવતા જ તપાસના આદેશો આપી દેવાયા છે. પ્રજા સાથે આવી દાદાગીરી કરનાર સામે કોઈની પણ શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે તપાસ પૂર્ણ થયા બાદ જો ડ્રાઈવર વિજય કાપડી આ માટે જવાબદાર સાબિત થશે તો તેને સસ્પેન્ડ કરવા સુધીના આકરા પગલાં લેવાની ખાતરી પણ તેમણે આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં સીટી બસ ચાલકની દાદાગીરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. થોડા સમય પહેલા પણ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામે રીક્ષા ચાલક વૃદ્ધને સીટી બસ ચાલકે બેફામ ગાળો ભાંડી માર માર્યો હતો. ત્યારે વધુ એકવાર આવી જ ઘટના સામે આવતા લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અવારનવાર સીટી બસ ચાલકની લુખાગીરી પર રોક ક્યારે લાગશે ? જેવા સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners