• રાજકોટમાં સિટીબસ ચાલકોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો
  • સિટીબસ ચાલકે નજીવી બાબતે વૃદ્ધ રિક્ષાચાલકને રસ્તા પર પટકી માર્યો માર
  • સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
  • ઘટનાની જાણ થતાં મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ આપ્યા તપાસનાં આદેશ

WatchGujarat. શહેરમાં સિટીબસ ચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક વખત આવી જ ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ ઉપર નજીવી બાબતે બોલાચાલી થતા સિટીબસનાં ડ્રાઈવર તેમજ કંડકટરે એક વૃદ્ધ રિક્ષાચાલકને રસ્તા પર પટકી માર માર્યાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ થતા તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે હંમેશની માફક મ્યુ. કમિશ્નર અમિત અરોરા દ્વારા તપાસનાં આદેશો આપી કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર સામે સીટી બસસ્ટોપ ખાતે એક વૃધ્ધ ને રોડ પર બેસાડી 23 નંબરની સિટી બસના કર્મચારી માર મારી રહ્યા છે. લોકોના ટોળાઓ પણ એકઠા થઇ ગયા છે. તેમજ સમાધાનનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ જણાઈ રહ્યું છે. છતાં છેલ્લે-છેલ્લે પણ સિટીબસ કર્મચારી દ્વારા વૃદ્ધ રિક્ષા ચાલકને ફડાકો મારવામાં આવી રહ્યો છે. જોકે બાદમાં જાગૃત નાગરિકોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો.

સમગ્ર મામલે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ કહ્યું હતું કે, આ વાયરલ વિડીયો મારા સુધી પણ પહોંચ્યો છે. અને હાલ આ મામલે ડેપ્યુટી કમિશ્નરને તપાસ સોંપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. સિટીબસ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા ચાલતી હોવાથી કોન્ટ્રાક્ટરને પણ આ કર્મચારીઓની સામે પગલાં લેવા જણાવાયું છે. કોઈપણ કર્મચારીઓ દ્વારા લોકો સાથે ગેરવર્તન ક્યારેય ચલાવી લેવાશે નહીં. અને જરૂર પડ્યે આવા કર્મચારીઓને બરતરફ કરવામાં આવશે.

જોકે સિટીબસ કર્મચારીઓ વારંવાર કાયદો હાથમાં લઇ બબાલ કરતા હોય છે. અને વિવાદમાં સપડાતા હોય છે. અને મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સૂચના આપીને સંતોષ માની લેવામાં આવે છે. ત્યારે એક વૃદ્ધ રિક્ષાચાલકને રસ્તા પર પટકી બેરહેમીથી માર મારવા જેવા આ ગંભીર મામલે મનપા તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે. હાલ તો આ ઘટનાને લઈને લોકો પણ અનેક સવાલો ઉઠાવી જવાબદારો સામે ત્વરિત કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud