• કેવડિયા એકતાનગરમાં જ આદિવાસીઓનું અપમાન, આદિવાસીઓની લાગણી દુભાઈ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી અને CISF ના કર્મચારી વચ્ચે થયેલી વાતચીતનો બહાર આવેલો ઓડિયો
  • સોશ્યલ મીડિયા ઉપર ઓડિયો વાયરલ થતા આદિવાસી સમાજ આગબબુલો
  • વિઘ્નસંતોષીઓએ એડિટ કરેલો ઓડિયો વાયરલ કરી વિવાદ સર્જ્યો, આખો ઓડિયો બહાર આવે તો સત્ય બહાર આવે : ડે. CEO

 

 

WatchGujarat. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટરનો વાયરલ થયેલા વિડીયોથી આદિવાસી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. ઓડિયો ક્લિપ વાયુવેગે સોશિયલ મિડીયામાં વાઈરલ થતા ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. આજે આ મામલાના વિરોધમાં બંધ પાળીને પુતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે.

SOU સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી અને CISF ના કર્મચારી વચ્ચે થયેલી વાતચીતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં આદિવાસી સમાજની લાગણી દુભાય તેવી ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારી દ્વારા કહેવામાં આવી રહ્યુ છે કે, યે આદિવાસી લોગ હૈ, જિન્કો ખાના નહીં મિલતા થા, ચડ્ડી પહેન કે રોડ પે ઘુમતે થે ઔર જડીબુટ્ટી ખાતે થેં જેવા ખુબ જ અપમાનિત શબ્દો બોલીને આદિવાસી સમાજની મજાક બનાવતો ઓડિયો સામે આવ્યો છે.

અગાઉ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આદિવાસી સમાજને અપમાનિત બાબતો ‌સામે આવી છે અને વધુ એક વાર ઉચ્ચ અધિકારીની આદિવાસી સમાજ વિરોધી માનસિકતા બહાર આવી છે. શું ‌સરકાર જાણી જોઈને આદિવાસી સમાજ વિરોધી માનસિકતા વાળા અધિકારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ‌રાખવામા આવી રહ્યા છે, તેવા પણ સાવલો ઉભા થઇ રહ્યાં છે.

PM નરેન્દ્ર મોદી દ્વારા જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓને રોજગારી આપવા માટે અનેક પ્રોજેકટ થકી પ્રયાસો કરી રહ્યાં છે ત્યારે અધિકારીની આ ઓડિયો ક્લિપે વધુ એક વિવાદ ઉભોં કર્યો છે. આદિવાસી વિરોધી માનસિકતા વાળા અધિકારીને હવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી મૂકી દેવામાં આવે ત્યારે રોજગારી તો દૂરની વાત પરંતુ સ્થાનિકોને અન્યાય સિવાય કંઇ મળે તેમ નથી. તેમ સ્થાનિકોમાં હવે રોષ જોવા મળી રહ્યો છે.

જ્યારે નર્મદા જિલ્લો સંપૂર્ણ ટ્રાઈબલ વિસ્તાર હોવા છતાં બહારથી આવેલા અધિકારીઓ નર્મદા જિલ્લામાં આ પ્રમાણેનું વર્તન કરતાં હોય તો અન્ય વિસ્તારમાં આદિવાસીઓ સુરક્ષિત છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. બીજીવાર કોઈ અધિકારી આદિવાસી સમાજ ને અપમાનિત નાં કરે તે હેતુથી આ અધિકારીને એટ્રોસીટી એક્ટ હેઠળ કડકમાં કડક સજા થાય તેવી આદિવાસી સમાજમાં માંગ ઉઠી રહી છે.

ઓડિયોને એડિટ કરી અર્ધસત્ય વાયરલ કરી વિઘ્ન સંતોષીઓએ વિવાદ ઉભો કર્યો

SOU ના નાયબ કલેકટર અને ડે.CEO એ જણાવ્યું હતું કે, વાયરલ ઓડિયો એડિટ કરીને ચલાવાઈ રહ્યો છે, જે અર્ધસત્ય છે. વાસ્તવમાં SOU કેમ્પસમાં એક કર્મચારીને CISF ના મહિલા કર્મચારી સાથે વિવાદ થયો હતો. અને તે કર્મચારીએ મને ફોન કરી ફરિયાદ કરી હતી. તે દરમ્યાન SOU ના મારા હાથ નીચેના કર્મચારીના બચાવમાં અમુક શબ્દો કહ્યા તે તેના માટે વ્યક્તિગત હતા. પરંતુ અગમ્ય કારણોસર આખા ઓડિયોના બદલે એડિટ કરી અમુક જ ભાગ વાયરલ કરાયો છે. પૂરેપૂરો ઓડિયો જો બહાર આવે તો ખરી સત્યતા બહાર આવે તેમ છે.

હું વર્ષ 2018થી આ જગ્યાએ ફરજ બજાવું છું અને સ્થાનિકોને સાથે રાખીને આ વિસ્તારમાં સતત કાર્ય કરી રહ્યો છું જેનાથી સૌ વાકેફ પણ છેજ. પરંતુ કેટલાક વિધ્નસંતોષી લોકો સમાજને ગેરમાર્ગે દોરવા સારૂ આવા એડિટ કરેલા ઓડિયો વાયરલ કરી રહ્યાં છે.

Facebook Comments Box

Videos

Our Partners