• વરરાજાનું નાક ભાવિ સાસુએ ખેંચવા જતાં ‘વિવાદ’ થયો
  • યુવતીએ લગ્નનો ઈનકાર કરી દીધો: ભોજન પણ પડ્યું રહ્યું

WatchGujarat. જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં રહેતા એક અમેરિકા સ્થિત યુવાન અને શહેરમાં જ રહેતી એક યુવતી કે જે બન્ને વચ્ચે પ્રેમ થયા પછી બન્ને પરિવારોની સંમતિથી બે દિવસ પહેલાં લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહ્યા હતા, અને લગ્ન વિધિ દરમિયાન કન્યાની માતાએ વરરાજાનું નાક ખેંચવાનો પ્રયત્ન કરતાં બન્ને પરિવારો વચ્ચે ભારે બબાલ થયા પછી આખરે પ્રેમિકાએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને જાન લીલા તોરણે પાછી ફરી હતી.

મીડિયા અહેવાલ પ્રમાણે, જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં રહેતા અને અમેરિકામાં સ્થાયી થયેલા એક યુવાનને જામનગરની એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, અને બન્ને એ લગ્ન કરવાનું નકકી કરતાં આખરે બન્નેના પરિવારજનોએ સંમતિ આપતા તા. 20ના લગ્ન યોજાયા હતા. જેઓનો લગ્ન સમારંભ જામનગરની મધ્યમાં આવેલી એક હોટલમાં યોજાયો હતો. જે લગ્ન પ્રસંગ દરમિયાન કન્યા પક્ષ દ્વારા વરરાજાનું નાક પકડવા માટેની વર્ષોથી ચાલી આવતી પરંપરા નિભાવવાની વિધિ શરૂ કરાઇ હતી.

જેમાં સૌપ્રથમ વરરાજાના પરિવારે નાક પકડવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ પ્રેમિકાની માતાએ માત્ર નાક ને સ્પર્શ કરવાનું જણાવી અને તેમણે માત્ર વરરાજાના નાક ને સ્પર્શ કર્યો હતો. બસ એટલું પણ પ્રેમિના પરિવારજનો સહન કરી શક્યા ન હતા, અને વરરાજા ના કાકા સહિતના પરિવારજનોએ ભાવિ સાસુમાં નો ઉધડો લઇ નાખ્યો હતો. આ સમયે ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. દરમિયાન કન્યા ની પણ દરવાજા પાસે આવીને ઉભી રહી ગઈ હતી, અને ભારે રકઝક પછી તેણીએ લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો.

જેથી બન્ને પરિવારમાં ભારે સોંપો પડી ગયો હતો. પોતાની માતાનુ અપમાન સહન નહીં કરી શકતાં તેણે લગ્નનો પ્રસ્તાવ ઠૂકરાવી દીધો હતો અને જાન લીલાં તોરણે પાછી મોકલી દઇ હિંમતભર્યું પગલું લીધું હતું અને જાન પરત ફરી હતી, જે બાદ કન્યા પક્ષ પણ હોટલમાંથી ચાલતી પકડી હતી. આમ, બન્ને પક્ષ માટે બનેલું ભોજન હોટલમાં પડયું રહ્યું હતું, બાદમાં કન્યા પક્ષ દ્વારા પોતાને મળેલી ગિફટ પણ પરત મોકલાવી દીધી હતી. આમ, નાકના પ્રશ્ને લગ્ન ફોક થયા હતા.

Facebook Comments Box

Videos

Our Partners