• સાધુ સંતો એડવોકેટની ટીમ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ વનવિભાગ પહોંચ્યા હતા
  • ભવિષ્યમાં કોઇ ઘટના બને તો જવાબદારી કોની : વનવિભાગ
  • નિત્યક્રમ મુજબ ભૈરવ ટૂંક પર ધુપદીવા કરવા જઇ શકે છે પ્રેમ કાછડિયા

WatchGujarat.ગણતરીની મીનીટોમાં જ ભૈરવ ટૂંક ચડીને ઉતરી જતા દેશી સ્પાઇડરમેનનો વિડીયો વાયરલ થયા બાદ વન વિભાગે વડાલના પ્રેમ કાછડીયાને ફોન કરીને નિવેદન માટે બોલાવતા ભારે ચર્ચા જાગી હતી. પરંતુ બાદમાં તેઓને માત્ર ભવિષ્યમાં કોઇ ઘટના બને તો જવાબદારી કોની, તેની બાહેંધરી લેવા અને સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

20-20 વર્ષથી ભૈરવ ટૂંક પર જઇને ધુપદીવા કરતા વડાલના પ્રેમભાઇ કાછડિયાને વન વિભાગે ફોન કરીને વન કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. જે સમાચાર વાયુવેગે પ્રસરી જતા દેશી સ્પાઇડરમેન વન વિભાગની કાર્યવાહી દરમિયાન કાયદાકીય સકંજામાં ફસાય નહી તે માટે તેમની સાથે સાધુ સંતો એડવોકેટની ટીમ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ પણ જોડાયા હતા.

સૌ પ્રથમ તો વન વિભાગ તેઓનુ એકલા જ નિવેદન લેવા માંગતી હતી પરંતુ મોટો સમુહ તેમની સાથે જોઇને અંતે ભવનાથ સ્થિત આવેલ વન વિભાગના ગેસ્ટ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં એસીએફ પટેલ. આર.એફ.ઓ ભાલીયા સહિતના વન અધિકારીઓએ તેઓને માત્ર સમજાવવા માટે બોલાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ ફોરેસ્ટ અધિકારીએ જણાવાયુ કે ભવિષ્યમાં ભૈરવ ટૂંક પર જતી વખતે તેઓને કંઇ થાય નહી અને જવાબદારી કોની તેની બાહેધરી લેવા માટે બોલાવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.

બાદમાં પ્રેમ કાછડિયાએ જણાવ્યુ હતુ કે વન અધિકારીઓએ તેઓને માત્ર આગામી સમયમાં કોઇ આવારા તત્વો કે કોઇ ગેંગ જંગલ કે પ્રાણીઓને નુકસાન કરવા માટે ઉપયોગ ન કરે તની સાવચેતી રાખવા સલાહ આપી હતી. અને તેઓ પોતાના નિત્યક્રમ મુજબ ભૈરવ ટૂંક પર ધુપદીવા કરવા જઇ શકે છે અને જશે તેવુ જણાવ્યુ હતુ ધાર્મિક જગ્યા પર કોઇ પણ વ્યક્તિ શ્રદ્ધા સાથે જતા હોય છે તેને ક્યારેય અટકાવામાં આવ્યા નથી તેવી હકીકત સામે આવતા અંતે સૌએ હાશકારો અનુભવ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners