• અમદાવાદની સાઈ બંધન ઈન્ફિન્યૂયમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલા હિન્દુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત કરવામાં આવ્યા
  • ભંગારના સામાનની વચ્ચે જ પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઈક્વિપમેન્ટના અવશેષો પણ મળી આવ્યા
  • કસ્ટમ દ્વારા પણ વધારે તપાસ હાથ ધરવામાં આવી હોય આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ રહેલી છે

WatchGujarat. મુન્દ્રા પોર્ટ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ પોર્ટ પરથી 200 ટન ભંગારના જથ્થામાંથી પાકિસ્તાની આર્મીનો સામાન મળી આવ્યો છે. આફ્રિકાથી આયાત 200 ટન ભંગારમાં પાકિસ્તાની સામગ્રી મળતાં સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ છે. મુન્દ્રા પોર્ટ પર કેન્દ્રિય એજન્સીઓ સાથે કસ્ટમે છેલ્લા થોડા દિવસોથી સતત તપાસ હાથ ધરી છે અને ઈનપુટના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે દરમિયાન પહેલા અમેરિકન ગાંજો ત્યારબાદ ખસખસ અને સોપારીનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. હવે પોર્ટ પર અટકાવેલા આયાતી ભંગારના કન્ટેનરોની તપાસ કરવામાં આવી હતી. આમાંથી પાકિસ્તાની લશ્કર દ્વારા વપરાશમાં લેવાતી યુદ્ધની સામગ્રી મળી આવી છે.

જાણવા મળતી વિગત અનુસાર, અમદાવાદની સાઈ બંધન ઈન્ફિન્યૂયમ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મુન્દ્રા બંદર પર આવેલા હિન્દુ ટર્મિનલ ખાતે સ્ક્રેપના શિપિંગ બિલ તળે આફ્રિકાથી આવેલા 10 કન્ટેનર આયાત કરવામાં આવ્યા હતા. આમાં ભંગારનો જથ્થો હતો. કસ્ટમને બાતમી મળી હતી કે, આ ભંગારના જથ્થામાં અમુક વાંધાજનક સામગ્રી છે. જેથી આ કન્ટેનરોને રોકવામાં આવ્યા હતા. અને આ 200 ટન જેટલા ભંગારની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ભંગારની સાથે પાકિસ્તાન આર્મી દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી પણ મળી આવી હતી.

ભંગારના સામાનની વચ્ચે જ પાકિસ્તાન આર્મી દ્વારા વપરાશમાં લેવાતા ઈક્વિપમેન્ટના અવશેષો પણ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનથી આયાત થતા ભંગાર પર 200 ટકા ડયૂટી વસૂલવામાં આવતી હોય છે. આ કન્ટેનરો આફ્રિકાથી આવ્યા હોવાના લીધે પાકિસ્તાનથી મુન્દ્રા વાયા આફ્રિકા લાવીને ડ્યૂટી ચોરી કરાઇ હોવાની શક્યતાઓ છે. પાકિસ્તાન લશ્કર દ્વારા વપરાયેલી યુદ્ધ સામગ્રી ભંગારમાં મળી આવતા આવનારા દિવસોમાં આ પ્રકરણની તપાસમાં સુરક્ષા એજન્સીઓ પણ જોડાશે. કસ્ટમ દ્વારા પણ વધારે તપાસ હાથ ધરવામાં આવી હોય આગામી દિવસોમાં મોટા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ રહેલી છે.

Facebook Comments Box

Videos

Our Partners