• શાળાઓ બંધ છતાં ફીથી ત્રસ્ત રાજકોટના 448 વાલીઓનો મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને વેદનાપત્ર
  • વોર્ડ નં.15 ના 6 જાગૃત નાગરિકની આગેવાનીમાં વાલીઓએ પત્ર લખી રજૂઆત કરી
  • ઓનલાઈન અભ્યાસ માટે 2 GB પ્લાનનો ખર્ચ આપવા સહિતની માંગ કરાઈ
  • ઓનલાઈન એજ્યુકેશન ચાલુ ત્યાં સુધીની ફી સરકાર ભરે તેવી વાલીઓની માંગ

WatchGujarat. કોરોના મહામારીને કારણે રાજ્યની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ દરમિયાન અનેક વાર શાળાઓની ફી ઉધરાણીને લઈને વિવાદ સામે આવ્યો છે. જેમાં શાળા સંચાલકો અને વાલીઓ સામસામે જોવા મળ્યા છે. આ વિવાદને ઉકેલવા માટે સરકાર દ્વારા પણ પ્રયાસ કરાયા છે. કોરોનાને લીધે છેલ્લા બે વર્ષમાં શાળાઓ મોટાભાગે બંધ રહી છતાં પૂરેપુરી ફી ની ઉઘરાણી ચાલુ જ છે. જેથી ત્રસ્ત થયેલા રાજકોટના 448 વાલીઓએ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને પોસ્ટ મારફત વેદનાપત્ર મોકલ્યો છે. જેમાં ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહે ત્યાં સુધીની વિદ્યાર્થીઓની ફી સરકાર ભરે તેવી માંગણી કરાઈ છે.

આ અંગે મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ રાજકોટ શહેરના વોર્ડ નં.15 ના નરેશ પરમાન, રમેશભાઈ, અમન ગોહેલ, રમેશ વઘેરા, પરેશ સોલંકી, હિમાંશુ સોલંકીની આગેવાનીમાં 448 વાલીઓએ પોતાના બાળકના આધારકાર્ડની ઝેરોક્ષ, ગત વર્ષની માર્કશીટની ઝેરોક્ષ જોડી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી તેમાં રજૂઆત કરી છે. જેમાં તેઓએ નીચે મુજબની માંગણી કરી છે.

  • 1 જાન્યુઆરી, 2022 થી જ્યાં સુધી શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ રહે ત્યાં સુધીની તમામ વિદ્યાર્થીઓની ફી સરકાર ભરે
  • એકથી વધુ બાળકો અભ્યાસ કરતા હોય ત્યાં બીજા બાળકને મોબાઈલ અથવા ટેબલેટની વ્યવસ્થા કરાવી આપો
  • ઓનલાઈન અભ્યાસ માટે મહીને 2 જી.બી.પ્લાન રીચાર્જનો ખર્ચ આપવામાં આવે
  • બાળકોને તેડવા મૂકવા માટેના સ્કૂલ વાહનોનું માસિક ભાડું આપે અને વિદ્યાર્થીઓને અભ્યાસને લગતા તમામ પાઠ્યપુસ્તકોની વ્યવસ્થા સરકાર કરાવી આપે

આ સાથે જ વાલીઓએ જણાવ્યું કે, બે વર્ષથી કોરોના વાયરસને લીધે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. મધ્યમ વર્ગના પરિવારમાં ઘર-ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે ઓનલાઈન અભ્યાસ માટે પુરતી સગવડ આપી શકતા નથી. જેથી અમારી વેદના આપને જણાવી છે તેવું અંતમાં લખ્યું હતું. મહત્વનું છે કે આ અગાઉ પણ ફીનો વિવાદ ઉકેલવા માટે સરકાર દ્વારા 25 ટકા ફી માફીની જોગવાઈ કરી હતી. પરંતુ હવે ફરી શાળાઓમાં ફી ને લઈને વિવાદ સર્જાયો છે.

Facebook Comments Box

Videos

Our Partners