• શહેરના સયાજીબાગ પ્રાણી સંગ્રહાલયમાં 13 વર્ષીય સિંહણની સફળ સર્જરી કરવામાં આવી
  • સિંહણ ગેલને દાઢીના ભાગમાં ડાબી બાજુએ ઈજા થઈ હતી, પંજાથી ઈજાનો ઘાવ ખંજવાળતા ઈન્ફેક્શન ફેલાયું હતું
  • 4-5 દિવસ સુધી ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું, છેલ્લા 15 દિવસથી ચાલતી હતી સારવાર
  • સફળ સર્જરી બાદ હાલ સિંહણની સ્થિતિમાં સુધારો થયો – ઝૂ ક્યુરેટર

WatchGujarat. વડોદરા શહેરની મધ્યમાં આવેલું સયાજીબાગ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. આ બાગના સંગ્રહાલયમાં આવેલા પશુ-પક્ષીઓ પર્યટકોનું મન મોહી લેતા હોય છે. જેમાં સૌથી વધુ લોકો સિંહ-સિંહણની જોડીને જોવાનું પસંદ કરે છે. ત્યારે સયાજીબાગ સંગ્રહાલયમાં આવેલી સિંહણ ગેલ છેલ્લા 15 દિવસથી અસ્વસ્થ હતી. પરંતુ ગેલની આજે સર્જરી કરવામાં આવી છે. સફળ સર્જરી બાદ સિંહણ ગેલનો બચાવ થયો છે.

સિંહણ ગેલને દાઢીના ભાગે ઈજા થતા ઈન્ફેક્શન થયું હતું

આ અંગે ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું છે કે, સયાજીબાગના પ્રાણી સંગ્રહાલયમાં રહેલી 13 વર્ષીય સિંહણ ગેલને ગત ત્રીજી નવેમ્બરના રોજ દાઢીના ભાગે ડાબી તરફે ઈજા થઈ હતી. જે બાદ સિંહણને પંજાથી ઘાવ ખંજવાળતા  ઇન્ફેકશન ફેલાઈ ગયું હતું. આ બાબત ઝૂ ઓથોરીટીના ધ્યાને આવતા જ તેના ડ્રેસિંગ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિંહણને અલગ પીંજરામાં રાખીને 4-5 દિવસ સુધી ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે છેલ્લા 15 દિવસથી સિંહણ ગેલની સારવાર ચાલતી હતી. પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો.

ડ્રેસિંગ કર્યા બાદ પણ ફરક નહિ પડતા વેટરનરી સર્જને સર્જરી કરી

સિંહણ “ગેલ”ની તબિયત વધુ લથડતા તેની સર્જરી કરવાનું નક્કી કરાયું હોવાનું ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબો અને સયાજીબાગની ટીમે આ સિંહણના ઘાવની સર્જરી કરી ઇન્ફેકશન દ્દુર કરી ટાંકા લીધા હતા. આ સફળ સર્જરી બાદ સિંહણની દવાઓ ચાલુ કરી હતી. પરંતુ સર્જરી બાદ સિંહણે ખોરાક બંધ કરી દેતા ફરી સયાજીબાગ ઝૂ ઓથોરીટીની ચિંતા વધી હતી. જોકે આજ થી સિંહણે ખોરાક લેવાનું શરુ કરી દીધું હતી. હાલ સિંહણની સ્થિતિમાં સુધારો હોવાનું ઝૂ ક્યુરેટર પ્રત્યુશ પાટણકરે જણાવ્યું હતું.

આણંદ વેટરનરી કોલેજના સર્જન અને પ્રાણી સંગ્રહાલયના પ્રયત્નોથી સિંહણ હવે સ્વસ્થ

અત્રે ઉલ્લેખનીય છે કે સયાજીબાગ ઝૂ ઓથોરીટી અને આણંદ વેટરનરી કોલેજના સર્જન તબીબોના પ્રયત્નોથી સિંહણ ગેલનો જીવ બચી શક્યો હતો. હાલ તેણે ખુલ્લા પીંજરામાં રાખવામાં આવી છે. અને તેના સ્વાસ્થ્યમાં સુધારો નોંધાયો છે. આ સાથે ઝૂના કર્મચારીઓ દ્વારા પણ ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે.

Facebook Comments Box

Videos

Our Partners