• તાજેતરમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે
  • લક્ષદ્વીપના વેલમાર્ક પાસે લો પ્રેશર સક્રિય થતાં આગામી 3-4 દિવસમાં વાતાવરણમાં પલટો આવશે
  • રાજ્યમાં કમોસમી માવઠાની આગાહીના પગલે ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા
  • કમોસમી વરસાદની શક્યતાના પગલે જગતનો તાત ચિંતામાં મૂકાયો

WatchGujarat. ગુજરાતમાં નવેમ્બરમાં શિયાળાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. હાલ દિવાળીના તહેવારો દરમિયાન ફૂલ ગુલાબી ઠંડીનો સમકારો જોવા મળી રહ્યો છે. એક તરફ ધીમે ધીમે ઠંડીનો પારો વધી રહ્યો છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં ગુજરાતના દરિયા કિનારે આવેલા જિલ્લામાં વરસાદ વરસવાની શક્યતા છે. મહત્વનું છે કે રાજ્યમાં કમોસમી વરસાદની સીધી અસર જગતના તાત એવા ખેડૂતો પર જોવા મળશે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચી શકે છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

કમોસમી વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે કર્યા ખાસ સૂચનો

હવામાન વિભાગની આગાહીને લઈને સરકારે ખેડૂતોને પણ સતર્ક રહેવા જણાવાયું છે, તેમજ સમયસર પોતાનો પાક સુરક્ષિત સ્થળ પર મૂકવા જણાવ્યું છે. રાજ્ય સરકારે પણ હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખુલ્લામાં રાખેલા અનાજને નુકસાનથી બચાવવા માટે સૌરાષ્ટ્રના ખેડૂતો અને એપીએસસીને ખાસ સૂચનો કર્યા છે. પરંતુ પૂરતી જગ્યા ન હોવાને કારણે મોટા પ્રમાણમાં પાકને નુકસાન થઈ શકે છે. તાજેતરમાં જ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. એવામાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. જો રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તો શિયાળુ પાકને મોટુ નુકસાન થઈ શકે છે. જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતી પણ લથડી જશે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આવેલા જિલ્લાઓમાં કમોસમી માવઠાની શક્યતા

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં આગામી 3 થી 4 દિવસમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. આ અંગે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, લક્ષદ્વીપ પાસે સર્જાયેલા લૉ પ્રેશરના કારણે ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. ખાસ કરીને રાજ્યના દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠે આવેલા જિલ્લાઓમાં કમોસમી માવઠાની શક્યતા વધુ છે. હવામાન વિભાગની આગાહીના પગલે ખેડૂતો શિયાળુ પાકમાં નુકસાનને લઈને ચિંતિત થયા છે. જો કમોસમી માવઠાના કારણે ખેતરમાં ઉભેલા રવિ પાકને નુકસાન થશે, તો નવા વર્ષે જ ખેડૂતોને રડવાનો વારો આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ડાંગર જેવા પાક અત્યારે ખેતરોમાં ખુલ્લામાં મૂકેલા હોય છે. જે ખેડૂતો પાસે તેને મૂકવાની વ્યવસ્થા નહીં હોય તેમને સૌથી વધારે નુકસાન થઈ શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud