• પંજાબના ફિરોઝપુર જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાનો પ્રયત્ન
  • સમગ્ર ઘટનાએ આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા
  • રાજકોટની ચાર વિધાનસભા બેઠક વિસ્તારમાં શહેર ભાજપના મોવડીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો
  • PM મોદીનાં દીર્ઘાયુષ્ય તેમજ સોનિયા અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે તે માટે ખાસ મહા મૃત્યુંજય જાપનું આયોજન કરાયું

WatchGujarat. પંજાબના ફિરોઝપુર જતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પાડ્યા છે. જે અંતર્ગત અનેક રાજ્યોમાં ભાજપ દ્વારા PM મોદીનાં દીર્ઘાયુષ્ય તેમજ સોનિયા અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે તે માટે ખાસ મહા મૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટની ચાર વિધાનસભા બેઠક વિસ્તારમાં શહેર ભાજપના મોવડીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં પીએમનાં દિર્ઘાયુષ્ય માટે તેમજ ભગવાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સદ્બુદ્ધિ અર્પે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત મુજબ, આજે 68-વિધાનસભા વિસ્તારમાં ઉપલાકાંઠે,જ્યારે વિધાનસભા-69 માટેના યજ્ઞનું આયોજન પંચનાથ મંદિર, વિધાનસભા-70 માટેના યજ્ઞનું આયોજન ઈન્દ્રેશ્ર્વર મહાદેવ મંદિર અને વિધાનસભા-71 માટે યજ્ઞનું આયોજન ભૂણેશ્ર્વર મંદિર-વાવડી ખાતે કરવામાં આવ્યું હતું. આ મહા મૃત્યુંજય જાપ યજ્ઞમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ધારાસભ્ય ગોવિંદ પટેલ, પ્રદેશ આગેવાન નીતિન ભારદ્વાજ ઉપરાંત ડેપ્યુટી મેયર ડૉ.દર્શિતાબેન શાહ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય સહિતના નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ગત રોજ પંજાબમાં બનેલી ઘટના પ્રધાનમંત્રીની ગરીમાનાં અપમાન સમાન છે. આ માટે શરમ રાખી માફી માગી લેવાને બદલે કોંગ્રેસનાં નેતાઓ વિચિત્ર નિવેદનો કરી રહ્યા છે. ત્યારે ભાજપ આ ઘટનાને વખોડે છે. તેમજ કોંગ્રેસનાં સર્વેસર્વા એવા સોનિયા અને રાહુલ ગાંધીને સદબુદ્ધિ મળે સાથે જ આપણા સૌના માનીતા પીએમ મોદીને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તે માટે ભાજપ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ઉપરાંત રાજ્યભરમાં પીએમ મોદીને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તે માટે ભાજપ દ્વારા યજ્ઞ અને મહા મૃત્યુંજય જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud