• આવતીકાલે મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાજકોટની મુલાકાતે આવશે
  • રાજકોટમાં સીએમ તેમજ પાટીલ દ્વારા ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું
  • હાલ કોરોના-ઓમીક્રોનની દહેશત વચ્ચે શહેરમાં યોજાનાર રોડ-શો યોગ્ય નથી – કોંગ્રેસનાં પૂર્વ શહેર પ્રમુખ
  • આરોગ્યનાં હિતાર્થે આવા જાહેર કાર્યક્રમો રદ્દ કરવા મહેશ રાજપૂતની માંગ

WatchGujarat. આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ રાજકોટ મુલાકાતે આવી રહ્યા છે. જેમાં એક ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હાલ કોરોના-ઓમીક્રોનની દહેશત વચ્ચે સીએમ તેમજ પાટીલ દ્વારા યોજાનાર રોડ-શો યોગ્ય નથી, અને હજારો લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન હોય રદ્દ કરવા કોંગ્રેસનાં પૂર્વ શહેર પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાથે રોડ-શો બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય તો તેના માટે સરકાર જવાબદાર હોવાનું પણ તેમણે કહ્યું છે.

મહેશ રાજપૂતનાં જણાવ્યા મુજબ, આ અંગે કોંગ્રેસ દ્વારા કલેક્ટર અને પોલીસ કમિશ્નરને રજુઆત કરાઈ હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રાજકોટમાં આવી રહ્યા છે અને રેલી, જમણવાર, મેળાવડા, સ્વાગત સહિતના કાર્યક્રમો પણ યોજવાના છે. જેમાં હજારોની જન મેદની એકઠી થવાની શક્યતાને લઈને કોરોના અને ઓમીક્રોનનું સંક્રમણ વધવાની પૂરતી સંભાવના છે. તો લોકોના આરોગ્યનાં હિતાર્થે આવા જાહેર કાર્યક્રમો રદ્દ કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ રાજકોટ એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરીને ભૂચર મોરીનાં કાર્યક્રમમાં જવા રવાના થવાના હોવાનું ભાજપનાં સૂત્રોએ જણાવ્યું છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, આ પહેલા પણ ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રેલી બાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હતું. અને આ દરમિયાન લાગુ પડેલા કોરોનાનાં કારણે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. છતાં ભાજપનાં નેતાઓ ફરીવાર આ જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યા છે. એકતરફ રાજકોટમાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. બીજીતરફ મુખ્યમંત્રીની હાજરીમાં જ આ કલમનો સરેઆમ ભંગ કરવામાં આવે તે જરાય યોગ્ય નથી. ત્રીજી લહેર અંગેની તકેદારી સરકાર દ્વારા આગોતરી લેવાની હોય તેના બદલે ખુદ સરકાર કોરોના સુપર સ્પ્રેડરની ભૂમિકા ભજવી રહી છે. અને રાજકોટ તથા સૌરાષ્ટ્રનાં લાખો લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે.

પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું, મુખ્ય રસ્તા 4 કલાક રહેશે બંધ

મુખ્યમંત્રીના રોડ શોને લઇને રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેરનામું પણ બહાર પાડ્યું છે, જેમાં કાલે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે તેમજ રોડ શોના રૂટમાં નો પાર્કિંગ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જોકે આ રસ્તા પર રોજ ઓફિસે કે કામ માટે જનારા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મુખ્યમંત્રીનો કાફલો પસાર થાય એ માટે કોઈપણ પ્રકારનાં વાહનોને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

મુખ્યમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કરાશેઃ શહેર ભાજપ પ્રમુખ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ વખત મુખ્યમંત્રી મહાનગરપાલિકાના કાર્યક્રમમાં આવે છે. આથી એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી તેના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ જ નહીં વિવિધ સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ મુખ્યમંત્રીનું સ્વાગત ઉમળકાભેર કરશે. મુખ્યમંત્રીની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી, શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા, સાંસદો, ધારાસભ્યો, પાર્ટીના હોદેદારો, અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Facebook Comments Box

Videos

Our Partners