• મયંક પટેલે પોતાની કારકિર્દીની શરુઆત બિનસચિવાલય ક્લાર્કની નોકરીથી કરી હતી
  • મહિલાએ મયંકને ફોન કે મેસેજ ના કરવાનું કહ્યા બાદ પણ તેણે અલગ-અલગ નંબરો પરથી તેને વોટ્સએપ પર અભદ્ર ફોટા મોકલ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું
  • મયંક પટેલ પર લાગેલા આરોપોની ગંભીરતા જોતાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ મામલે ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો

WatchGujarat. મહિલા અધિકારીને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલવાના મામલે જામીન પર છૂટેલા મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મયંક પટેલની મંગળવારે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. તેમને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે રિમાન્ડ ના માગતા કોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખીને તેમને જામીન પર છોડવાનો આદેશ કર્યો હતો.

મયંક પટેલ પર લાગેલા આરોપોની ગંભીરતા જોતાં અરવલ્લી જિલ્લાના કલેક્ટરે આ મામલે ગુજરાત સરકારને રિપોર્ટ કર્યો હતો. કલેક્ટરે અગાઉ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર મયંક પટેલ સામે પગલાં લેવામાં આવશે. તેવામાં આજે તેમને નોકરી પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડે. કલેક્ટરની પોલીસે ધરપકડ કરી હોવાથી તેમને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ હેઠળ સસ્પેન્ડ કરાયા છે. બીજી તરફ, તેમની સામે ફરિયાદ કરનારાં મહિલા અધિકારીને પણ તાલુકા વિકાસ અધિકારીના સ્થાનેથી સચિવાલયમાં ટ્રાન્સફર કરી દેવાયાં છે.

 શું હતો સમગ્ર મામલો ?

ફરિયાદ અનુસાર, મયંક પટેલ અને તેમણે જે મહિલાને અભદ્ર ફોટોગ્રાફ્સ મોકલ્યા હોવાનો આરોપ છે તે મહિલા અગાઉ સાથે નોકરી કરતાં હતાં. ગાંધીનગરમાં તેમને અવારનવાર મળવાનું પણ થતું હતું. આ દરમિયાન તેમણે એકબીજાના નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત પણ થવા લાગી હતી. જોકે, મહિલાએ મયંકને ફોન કે મેસેજ ના કરવાનું કહ્યા બાદ પણ તેણે અલગ-અલગ નંબરો પરથી તેને વોટ્સએપ પર અભદ્ર ફોટા મોકલ્યા હતા. એટલું જ નહીં, ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરાયો છે કે મહિલાના પરિવારજનોને પણ મયંકે ફોટા મોકલ્યા હતા.

મને હનીટ્રેપમાં ફસાવાયો – મયંકનો દાવો

બીજી તરફ મીડિયા રિપોર્ટ અનુસાર, મયંક પટેલે પોતાની જામીન અરજીમાં એવો દાવો કર્યો હતો કે તેને ફરિયાદી મહિલા સાથે પ્રેમસંબંધ હતો. ખુદ ફરિયાદીએ આ વાતની કબૂલાત ફરિયાદમાં કરી હોવાનો ઉલ્લેખ પણ મયંકની જામીન અરજીમાં કરાયો હતો. એટલું જ નહીં, તેણે એવો પણ દાવો કર્યો હતો કે જો પોતે દોઢ વર્ષથી મહિલાને પરેશાન કરતો હોય તો અત્યારસુધી તેના અંગે ક્યાંય ફરિયાદ કે અરજી કેમ નથી કરવામાં આવ્યા? એટલું જ નહીં, પોતે નિર્દોષ છે અને હનીટ્રેપમાં ફસાવાયો છે તેવો પણ મયંકે જામીન અરજીમાં દાવો કર્યો હતો.

મયંક પટેલ ક્લાર્કમાંથી ડે. કલેક્ટર બન્યો

28 વર્ષના મયંક પટેલ હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. જો કે, તેઓએ પોતાની કારકિર્દીની શરુઆત બિનસચિવાલય ક્લાર્કની નોકરીથી કરી હતી. ત્યારબાદ તે નાયબ મામલતદાર અને પછી ડેપ્યુટી સેક્શન ઓફિસર બન્યો હતો. જીપીએસસીની ક્લાસ-1, 2ની પરીક્ષાની તૈયારી કરવા માટે તેણે નોકરી છોડી દીધી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud